આણંદ
ગરવા ગુજરાતી અને મૂળ ચરોતરના રૂષિ પટેલે અમેરિકાના હ્યુસ્ટનમાં પિયરલેન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમેન તરીકે ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો છે. રૂષિ પટેલ પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં પોઝિશન 7 માટે ચૂંટાયા છે. પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં સેવા આપનાર પ્રથમ એશિયન અમેરિકન તરીકે ચૂંટાયા પછી રૂષિ પટેલ કહે છે કે તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે 6 મેના રોજ એન્ટોનિયો જ્હોન્સન સામે ચુંટણી જીતી હતી અને 57 ટકાથી વધુ મત મેળવ્યા હતા.
રૂષિ પટેલે જણાવ્યું હતું કે પિયરલેન્ડમાં પાણીની સલામતી પ્રાથમિકતા છે પરંતુ નળમાંથી ઓછું પાણી આવતું હોવાથી લોકો એરિઝોનામાં પાણીની અછતનો સામનો કરવાને બદલે સ્વખર્ચે પાણી મંગાવવાનું પસંદ કરે છે. તેઓ તેમના ભાઈ-ભાભી સાથે હ્યુસ્ટન વિસ્તારમાં અનેકવિધ હોટેલોના માલિક છે.
ઉલ્લેખનીય છે કે ગલ્ફ કોસ્ટ વોટર ઓથોરિટીની અમેરિકન કેનાલમાંથી દરરોજ 10 મિલિયન ગેલન પાણીનો પુરવઠો પૂરો પાડવા અને પાણી માટે હ્યુસ્ટન પર પિયરલેન્ડને આધાર ન રાખવો પડે તે માટે પિયરલેન્ડ તેની પશ્ચિમ બાજુએ એક સરફેસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે.
રૂષિ પટેલે કહ્યું કે મને નથી લાગતું કે અમારા પડકારો ખાસ છે. આ પડકારો સામાન્ય છે. મને લાગે છે કે વોશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તારમાં દરેક વ્યક્તિ કદાચ આ પડકારોનો સામનો કરી રહી છે.
તેમનું માનવું છે કે પૂરને રોકવા માટે ડ્રેનેજના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને તેઓ એવા પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે જેના માટે 6 મેની ચૂંટણી દરમિયાન મંજૂર કરાયેલા $81.4 મિલિયન બોન્ડ પેકેજ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે તેમણે જણાવ્યું કે વિકસતા વ્યવસાયોને મદદ કરવાથી આ વિસ્તારમાં વધુ નોકરીની તકો ઉભી થશે.
રૂષિ પટેલે જણાવ્યું હતું કે આપણા આર્થિક વિકાસ નિગમની વાર્ષિક આવક $14 મિલિયનથી વધુ છે જે સેલ્સ ટેક્સ દ્વારા આવે છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આવકનું ઉત્તમ સાધન છે. આ આવક ગુણવત્તાયુક્ત નોકરીઓ પ્રદાન કરતી વખતે કરદાતાઓના બોજને ઘટાડવામાં મદદ કરી શકે છે.
રૂષિ પટેલ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. તેમનો પરિવાર સાઉથ કેરોલિનામાં સ્થાયી થયો હતો જ્યાં પરિવારના સભ્યો મોમ-એન્ડ-પોપ મોટેલનું સંચાલન કરતાં હતા. રૂષિના પિતા શ્રી બિપીનભાઈ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હાલમાં ચારુસેટ યુનિવર્સિટી અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ (ચાંગા, ગુજરાત, ભારત)ના ઇન્ટરનલ ઓડિટર છે.
રૂષિ પટેલે એકાઉન્ટિંગમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ સાઉથ કેરોલિનામાંથી ટેક્સેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ પિતા શ્રી બિપીનભાઈના પગલે ચાલીને CPA ડિગ્રી (સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટ) ધરાવે છે. તેમણે એકાઉન્ટિંગ ફર્મ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.
રૂષિ પટેલે જણાવ્યું હતું કે તેમની બહેન અને સાળાએ તેમને પોતાની સાથે પિયરલેન્ડમાં હોટલ સ્થાપવા અને તેનું સંચાલન કરવા સમજાવ્યા હતા. 2001માં રૂષિ પટેલ પિયરલેન્ડમાં રહેવા ગયા. તેમની પ્રથમ હોટેલ હેમ્પટન ઇન બાય હિલ્ટન 2003 માં પિયરલેન્ડમાં વેસ્ટ બ્રોડવે વિસ્તારમાં શરુ થઇ.
પિયરલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બન્યા બાદ તેમને પ્રજાના સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મળી હતી.
રૂષિ પટેલે કહ્યું કે મારી પાસે એક મહાન માર્ગદર્શક અને મિત્ર મિસિસ કેરોલ હતા જેઓ ચેમ્બરના પ્રમુખ હતા. તેમણે મને કહ્યું, તમે કા તો શાંત રહો અથવા તો રાજકારણમાં જોડાઈ જાવ. ત્યારે મેં નક્કી કર્યું કે, માત્ર ફરિયાદ કરવાને બદલે હું જુદી જુદી સેવાઓમાં સામેલ થઈશ.
જેમના થકી રૂષિ પટેલને પિયરલેન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન અને હોસ્પિટલો જેવા વિવિધ ગ્રુપોના બોર્ડમાં સેવા આપવાની પ્રેરણા મળી.
રૂષિ પટેલ અને તેમના પત્ની તેઓ પાછલા વર્ષોમાં કાઉન્સિલની સીટ માટે ચૂંટણી લડે તેમ નહોતા ઈચ્છતા. કારણ કે તેઓ પોતાના બાળકો સાથે સમય પસાર કરવા માંગતા હતા. પરંતુ તેમના પત્નીએ મે માસની ચૂંટણી માટે તેમની ઉમેદવારીને ટેકો આપ્યો કારણ કે તેમના બાળકો હવે 11 વર્ષ અને 13 વર્ષના થયા છે.
તેમણે કહ્યું કે હું ઘણા ઉમેદવારો હોય એવી ચૂંટણીમાં ભાગ લેવા માગતો ન હતો, કારણ કે હું આખી પ્રક્રિયામાંથી પસાર થવા માગતો ન હતો. આ બાબત પરિવારો માટે ખાસ કરીને જયારે તમારા સંતાનો ઉછરતા હોય ત્યારે મુશ્કેલીરૂપ હોય છે. કારણ કે જ્યારે એક વાલી ચૂંટણીમાં ઝંપલાવે છે, ત્યારે બીજા વાલીએ ઘર ચલાવવાનું હોય છે.