ચાંગા
ચાંગા સ્થિત વિખ્યાત ચારુસેટ યુનીવર્સીટીમાં ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝ (એફઓએચ) દ્વારા બીએસસી (નર્સિંગ) તથા બી.પી.ટી. (ફિઝીયોથેરાપી) ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે બે ઇન્ટરેક્ટિવ કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને TOEFL અને GRE વિશે માહિતી આપવામાં આવી હતી.
ETS ઇન્ડિયાના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર ભાગ્યશ્રી વાસવાણી (કંપની સેક્રેટરી) દ્વારા ચારુસેટના 100 થી વધુ વિદ્યાર્થીઓને TOEFL અને GRE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાગ્યશ્રી વાસવાણીએ TOEFL અને GRE સંબંધિત તેમજ વિવિધ ટેસ્ટના કેટલાક નવા અને મહત્વપૂર્ણ પાસાઓ સંબંધિત વિગતવાર માહિતી રજૂ કરી હતી. ઉચ્ચ સ્કોર કરવા માટેની કેટલીક ટિપ્સ અને વ્યૂહરચનાની માહિતીની સાથે સાથે તેમણે સર્ચ સર્વિસ ઓપ્શન દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટીઓ શોધવાની વિવિધ માર્ગો વિશે તેમજ માય બેસ્ટ સ્કોર દ્વારા ઉચ્ચ સ્કોર કરવાની વધુ સારી પદ્ધતિઓ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે TOEFL લેતા વિદ્યાર્થીઓ માટે રૂ. 2.4 લાખ સુધીના સ્કોલરશીપ પેકેજ વિશે માહિતી પણ આપી હતી.
ETS એ બિન-નફાકારક સંસ્થા છે જે શિક્ષણમાં ગુણવત્તા અને સમાનતાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. ETSનો હેતુ ન્યાયી અને માન્ય મૂલ્યાંકન, સંશોધન અને અન્ય સંબંધિત સેવાઓ દ્વારા શિક્ષણમાં શ્રેષ્ઠતા અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. ETS વિશ્વની સૌથી મોટી ખાનગી બિન- નફાકારક શૈક્ષણિક પરીક્ષણ અને મૂલ્યાંકન સંસ્થા છે જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત મૂલ્યાંકનના વિકાસ અને સંચાલનનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. TOEFL (ટેસ્ટ ઓફ ઈંગ્લીશ એઝ એ ફોરેન લેન્ગવેજ), GRE (ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન) અને SAT (સ્કોલાસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ) જેવા તેમના ટેસ્ટ અનુક્રમે ભાષાનું કૌશલ્ય, શૈક્ષણિક તૈયારી અને કૉલેજની તૈયારીના મૂલ્યાંકન માટે બેન્ચમાર્ક બની ગયા છે.
નોંધનીય છે કે ચારુસેટે ETS ઇન્ડિયા સાથે એમઓયુ કર્યું છે. આ સહયોગના ભાગરૂપે ETS ચારુસેટના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને શૈક્ષણિક અને તાલીમ સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે. તાજેતરમાં ટ્રેઇન ધ ટ્રેનર પ્રોગ્રામમાં ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝમાંથી 12 ફેકલ્ટી સભ્યોએ લાભ મેળવ્યો હતો.