આણંદ,
યોગના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે ૨૧ જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ યોગ, પ્રાણાયામ, આસનોના માધ્યમથી તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી ૦૯ થી ૧૫ વર્ષના બાળકો માટે સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ દરમિયાન ડી.એન.હાઇસ્કુલ, આણંદ ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મધ્યઝોન કો-ઓર્ડીનેટર ડૉ.જયના પાઠકના માર્ગદર્શન હેઠળ જિલ્લા કો-ઓર્ડીનેટર દિવ્યાબેન ધડુક, યોગ કોચ શંકરસિંહ રાઠોડ અને યોગ ટ્રેનરો દ્વારા બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. આ યોગ કેમ્પના સમાપન સમારોહમાં ચરોતર ઇંગ્લીશ મીડિયમ સ્કુલના આચાર્યશ્રી કાર્તિકભાઇ પટેલ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના કર્મચારીઓ અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****