આણંદ,
આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા તેમજ માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુ તથા ઇજામાં ઘટાડો કરવાના ઉદ્દેશથી રાજ્યના ડી.જી.પી. શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આણંદ જીલ્લા પોલીસ દ્વારા ત્રણ માસ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા ત્રણ માસ માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ તથા ટ્રાફિક જનજાગૃતિ માટે એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે.
આ એક્શન પ્લાન હેઠળ આગામી ત્રણ માસ સુધી આણંદ જીલ્લામાં અલગ અલગ પ્રકારની ખાસ ઝુંબેશ હાથ ધરી ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે જેના ભાગ રૂપે તા. ૧૮/૦૫/૨૦૨૩ ના રોજ જીલ્લામાં ડ્રન્કન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નશો કરી વાહન હકારતા ઇસમો સામે જીલ્લા પોલીસે સઘન વાહન ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરી હતી.. આ ડ્રાઇવ દરમિયાન આણંદ જીલ્લામાં નશો કરીને વાહન ચલાવતા ૩૭ વ્યક્તિઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહન ચાલકો પોતાના વાહનો નિયત કરેલ ઝડપે ચલાવે તથા નિયત કરવામાં આવેલ લેનનો ઉપયોગ કરે તે માટે સોશ્યલ મીડીયા દ્વારા તથા શાળા કોલેજોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી આણંદ જીલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકો પોતાનો તથા અન્ય રાહદારીનો જીવ જોખમમાં ન મુકે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જીલ્લાના વિવિધ સિનેમામાં ટ્રાફિક જનજાગૃતિની નાની શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે.
સુરક્ષા સેતુ સોસાયટી, આણંદ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે ઉપર આવેલ ઢાબા, રેસ્ટોરન્ટ તથા પેટ્રોલપંપો ઉપર ટ્રક ડ્રાઇવરો તથા અન્ય વાહન ચાલકોને ટ્રાફિક જનજાગૃતિની ફિલ્મો બતાવી તથા પેમ્ફલેટનું વિતરણ કરી જનજાગૃતિ કરવામાં આવી રહી છે તેમજ આ કાર્યક્રમમાં વાસદ થી બોરીયાવી સુધી નેશનલ હાઇવે ઉપર તથા વાસદ થી તારાપુર સુધીના નેશનલ હાઇવે ઉપર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવનાર છે.
વર્ષ ૨૦૨૨ માં થયેલ માર્ગ અકસ્માતોનું વિશ્લેષણ કરી આણંદ જીલ્લામાં કુલ ૫૦ (ગ્રીડ) અકસ્માતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવામાં આવેલ છે. આ વિસ્તારોને પ્રાધાન્ય આપી આ જગ્યાએ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, રોડ એન્જીનીયરીંગ તથા ટ્રાફિક જનજાગૃતિ એમ ત્રણ પ્રકારના મુદ્દાઓ ઉપર કામગીરી કરવામાં આવનાર છે. જે વિસ્તારમાં રોડ એન્જીનીયરીંગની ખામીના કારણે માર્ગ અકસ્માતો થયેલાનું જણાયું છે તેવી જગ્યાએ સબંધીત રોડ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આમ, માર્ગ અકસ્માતો નિવારવા માટે તથા માર્ગ અકસ્માતથી થતો મૃત્યુદર ઘટાડવા માટે આણંદ જીલ્લા પોલીસ દ્વારા વાહનચાલકો પોતાના વાહનો નિયત લેનમાં, નિયત ગતિમર્યાદામાં જ ચલાવે તથા ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ટ્રાફિકના નિયમોની વાહનચાલકોને જાણકારી મળે જેથી વાહન ચાલકો યોગ્ય રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી આ એકશનપ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનમાં આણંદ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ ખૂબજ ઉત્સાહથી જોડાયા છે,તેમજ આણંદ જીલ્લા ટ્રાફિક તથા આણંદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હોવાનું આણંદ પોલીસ અધિક્ષકની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
(પ્રતિકાત્મક તસવીર સોર્સ ગુગલ)
*****