AnandToday
AnandToday
Friday, 19 May 2023 18:30 pm
AnandToday

AnandToday

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં ૨૫૬ તળાવોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી

જિલ્લાના ૪૪૧ તળાવોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાનું જિલ્લા આરોગ્યતંત્રનું આયોજન

આણંદ,
આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રિ-મોનસુન એક્ટીવીટીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા શાખા, આરોગ્ય વિભાગ - આણંદ દ્વારા આણંદ તાલુકાના ૯૫, ઉમરેઠ તાલુકાના ૫૧, આંકલાવ તાલુકાના ૨૨ અને પેટલાદ તાલુકાના ૮૮ તળાવો મળી કુલ ૨૫૬ તળાવોમાં જિલ્લા મેલેરીયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મેડિકલ ઓફીસરની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી રહી છે. 

પોરાભક્ષક (ગપ્પી) માછલી કુદરતી પોરાનાશક છે. ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગોના મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. આ માછલી દરરોજ ૧૦૦ થી ૧૫૦ મચ્છરના પોરાને ખાઈ જાય છે તથા તેનો જીવનકાળ ચાર થી પાંચ વર્ષનો હોય છે. આ માછલી દર અઠવાડીએ ૫૦ થી ૨૦૦ બચ્ચાઓને જન્મ આપે છે માટે મચ્છરો ઉત્પત્તિ અટકાવવા આ માછલીઓ અસરકાર સાબિત થાય છે.

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં જિલ્લાના અન્ય તાલુકાઓ બોરસદ, ખંભાત, સોજીત્રા અને તારાપુરમાં પણ આ કામગીરી હાથ ધરી જિલ્લાના કુલ ૪૪૧ તળાવોમાં પોરાભક્ષક માછલી મૂકવામાં આવનાર હોવાનું જિલ્લા મેલેરીયા અધિકારીએ જણાવ્યું છે.
*****