AnandToday
AnandToday
Thursday, 18 May 2023 00:00 am
AnandToday

AnandToday

ડૉ. આંબેડકર આવાસ યોજના થકી હવે હું અને મારો પરિવાર સંયુક્ત રીતે સાથે રહી શકીશું-ભાવીનભાઈ મહિડા

સરકારની વિવિધ આવાસ યોજનાઓ થકી લાખો પરિવારોના “ઘરનું ઘર” ના સપના થઈ રહ્યા છે સાકાર

આણંદ, 
કોઇ પણ પરીવાર ઘર વિહોણો ના રહે તેમજ દરેક પરિવારને રહેવા માટે પોતાની પાક્કી છત મળે તે માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પરીણામે કેન્દ્ર-રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે જેના થકી દેશ અને રાજ્યના લાખો ઘર વિહોણા લોકોને પોતાના પાક્કા ઘર મળ્યા છે. સરકારની આવી જ એક કલ્યાણકારી યોજના છે ડૉ. આંબેડકર આવાસ યોજના, જે અંતર્ગત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને પાક્કુ મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.  

આણંદ તાલુકાના લાંભવેલ ખાતે રહેતાં ડૉ. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી ભાવીનભાઈ મહિડાએ સરકારની આ યોજના થકી હવે હું મારા પરિવાર સાથે રહી શકીશ તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, હાલ અમારા પરિવારમાં અમે સાત સભ્યો છીએ, મારા લગ્ન થયા બાદ મારા પિતાનું ઘર નાનું હોવાથી જગ્યાના અભાવે ઘરમાં સૌને અગવડતા પડવા લાગી હતી. પરંતુ અલગ ઘર લઈ શકીએ કે માતા-પિતાથી દૂર રહીએ એ બન્ને શક્ય નહોતું. એવા કપરા સમયે સરકારની ડૉ. આંબેડકર આવાસ યોજના મારા માટે દેવદુત બનીને આવી હોય તેમ મારા મિત્ર પાસેથી આ યોજનાની જાણકારી મળતા મને પોતાનું ઘર બનાવવાની હિંમત મળી, એટલે મેં મારા મિત્રની મદદ લઈને યોજના માટે ઓનલાઈન અરજી કરી. 

આ યોજનાનું ફોર્મ ભર્યા બાદ સમાજ કલ્યાણ કચેરીના માર્ગદર્શન અને સહકારથી જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યાના એક જ મહિનામાં મારી અરજી મંજૂર કરવામાં આવી અને મને મળનાર યોજનાની કુલ સહાય રૂ. ૧,૨૦,૦૦૦/- પૈકીના પ્રથમ હપ્તાના રૂ. ૪૦,૦૦૦/-  સીધા મારા બેન્ક ખાતામાં જમા થઈ ગયા. આ સહાય મળવાથી હવે હું મારૂ સપનાનું ઘર બનાવવાની શરૂઆત કરી શકીશ. 

ભાવીનભાઈએ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારની આ યોજનાને લીધે આખો પરિવાર સાથે રહી શકશે તેમજ પરિવાર સાથે રહીને હું મારા માતા-પિતાની સાર-સંભાળ રાખી શકીશ, આ સહાય બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું.

નોંધનીય છે કે, અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં, ગરીબી રેખા નીચે જીવતા અને વાર્ષિક રૂ.૬,૦૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગારમાટીનું મકાન હોય અથવા જે વ્યકિતના નામે હાલ ભોંયતળીયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન/મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધવા ઇચ્છતા હોય તેમને આ યોજના અંતર્ગત મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦/- ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. 
*****