AnandToday
AnandToday
Monday, 15 May 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાં ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વેકેશન તાલીમ વર્ગો યોજાયા

13 ગામની શાળાઓના 99 વિદ્યાર્થીઓને કોલેજના પ્રાધ્યાપકો દ્વારા નિઃશુલ્ક અંગ્રેજીની પ્રખર તાલીમ અપાઈ

 

ચાંગા
ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સિટીના ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના (Charusat Rural Education Development Program-CREDP) અંતર્ગત ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહિના સુધી સુધી વેકેશન તાલીમ વર્ગો (vacation training program) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગો મૂળભૂત રીતે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના કૌશલ્યો વિકસાવવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવ્યા હતા.  

56 વિદ્યાર્થીનીઓ તથા 43 વિદ્યાર્થીઓ મળીને કુલ 99 વિદ્યાર્થીઓને એક મહિના સુધી અંગ્રેજી વિષયના વિવિધ મુદ્દાઓ વિષે તાલીમ અપાઈ હતી. જેમાં ખાસ કરીને અંગ્રેજીમાં વાર્તાલાપ, પરિચય, દૈનિક શબ્દાવલી, સ્થિતિ-પરિસ્થિતિ આધારિત ચર્ચા તથા વાંચન-લેખન અને શ્રવણ આધારિત મુદ્દાઓને પ્રાયોગિક રીતે ભણાવવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જેમ લેખિત અને પ્રાયોગિક રૂપમાં કરાયું હતું.

તાલીમ દરમિયાન ચારૂસેટના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે સંવાદ, જમીન બચાવ જાગૃતિ અભિયાન, ચારૂસેટ કેમ્પસની મુલાકાત, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, અંગ ઓળખ જાગૃતિ, પ્રાથમિક સારવાર જાગૃતિ, રમત-ગમત તાલીમ, દ્રશ્ય-શ્રાવ્ય પ્રયોગશાળા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રયોગશાળાની મુલાકાત વગેરે પ્રવૃત્તિઓ પણ સમાવવામાં આવી હતી.

તાલીમને અંતે વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક, હકારાત્મક વલણ, નિયમિતતા, વર્તણુક તથા સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ બદલ ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

ઇનામ વિતરણ કાર્યક્રમમાં સ્પેસ ટેક્નોલોજી સેન્ટરના વડા ડો. જે. પી. ચૌધરી, HRDCના વડા ડો. અશ્વિન મકવાણા, અંગ્રેજીના પ્રાધ્યાપક ડો. કૌશિક ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં HSS વિભાગના પ્રાધ્યાપકો, યુનિવર્સિટીના સ્વયંસેવકો તથા વિદ્યાર્થીના વાલીઓએ ભાગ લીધો હતો.  સમગ્ર તાલીમ વર્ગોનું સંચાલન રાજેશ ગઢવી તથા કિશન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.