સુરત
ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.૬૫ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કીમ ખાતે ૭૨ મીટર સ્પાન ROB ધરાવતો રાજ્યનો પ્રથમ ઓપન વેબ ગર્ડર રેલ્વે ઓવરબ્રિજનો એક તરફનો ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાતા અંદાજીત ૪૦ ગામની સવા લાખથી વધુની વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. રોજબરોજ આવાગમન કરતા હજારો વાહનચાલકોને રાહત થશે.
આ અવસરે કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક શહેરનું રેલવે સ્ટેશન એ 'હાર્ટ ઓફ ધ સિટી' હોય છે. સિટીના ડેવલપમેન્ટ માટે સ્ટેશન નજીકના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો હમેશાં પ્રગતિમાં હોય છે, ત્યારે સ્થાનિક જનતા અને વાહનચાલકોની સુવિધા વધારવી એ રેલવે તંત્રનું ધ્યેય રહ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે. જેના ભાગરૂપે કીમ, ઉતરાણ અને સાયણ રેલવે સ્ટેશનનો પણ આ યોજનામાં સમાવેશ કરાયો છે.
વધુમાં શ્રીમતી જરદોશે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ થવાથી મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે. જ્યાં રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે.
આ અવસરે વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના પારદર્શક વિકાસલક્ષી આયામોથી કીમ સહિત આવશ્યક રેલવે સ્ટેશનો ખાતે ઈન્ફ્રાસ્ટ્રકચરના કાર્યોને વેગ મળ્યો છે. આવનાર સમયમાં તમામ રેલવે લાઈનને ક્રોસ કરતા રસ્તાઓ પર ઓવરબ્રિજોનું નિર્માણ કરી 'ફાટક ફ્રી' ગુજરાત બનાવવાની દિશામાં સરકાર કાર્યરત છે. રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાન ધોરણે વિકાસકામોને હંમેશા પ્રાથમિકતા આપી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતિનભાઈ પટેલ, વડોદરા ડિવિઝનના ડીઆરએમ જિતેન્દ્રસિંઘ, ડી.ઈ.સી.સી.ના જનરલ મેનેજર સંદેશ શ્રીવાસ્તવ, ઓલપાડ તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રી પ્રવીણભાઈ પટેલ, ડે.સરપંચ મનોજભાઈ મેવાડ, અગ્રણી સર્વશ્રી ભાવેશભાઈ, સુનિલભાઈ પટેલ, કુલદીપભાઈ, કીમ ગામ પંચાયતના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.