આણંદ,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાતની વિકાસ યાત્રાને નવી દિશા મળી છે. "બહુજન હિતાય બહુજન સુખાય" ની નીતિથી ગુજરાતની વિકાસ યાત્રાનું આ ગુજરાત મોડલ સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહ્યું છે. ત્યારે ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ વિવિધ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત આણંદની ભગીરથ સોસાયટી ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના નવીન આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ “અમૃત- આવાસોત્સવ”માં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ લાભ મેળવેલ આણંદ નગરપાલિકાના લાભાર્થી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કરીને તેમને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંત્યોદય સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમજ દરેક નાગરિકને તેનો લાભ મળે તેની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે. દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ અવસરે ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર મળે તે માટેનો નિર્ધાર કરીને જે યજ્ઞ આરંભ્યો હતો તેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં લાખો લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું છે.
આ તકે ઉપસ્થિત મહાનુભવના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થીઓને ચાવી આપીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી છાયાબા ઝાલાએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં વડોદરા ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરશ્રી એસ. પી. ભગોરા અને અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આણંદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં ૧૦૦ ટકા કામગીરી સાથે કુલ ૪૬૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી હેઠળ આવાસનો લાભ મળ્યો છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૭૯, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧૮૯ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૯૨ આવાસોનું કાર્ય પૂર્ણ થયેલું છે જ્યારે ૧ આવાસનું કામ ચાલુ છે.
******