AnandToday
AnandToday
Wednesday, 10 May 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કરશે વર્ચ્યુઅલ -લોકાર્પણ

આણંદ નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ ૪૬૧ લાભાર્થીઓને આવાસ મળ્યાં

આણંદ, 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓની સાથે આણંદ નગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળેલ લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંવાદ કરી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.

આણંદની ભગીરથ સોસાયટી ખાતે આજે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના નવીન આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, આણંદના સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે જ્યારે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવી, વડોદરા ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરશ્રી એસ. પી. ભગોરા અને આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી રૂપલબેન પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આણંદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં ૧૦૦ ટકા કામગીરી સાથે કુલ ૪૬૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી હેઠળ આવાસનો લાભ મળ્યો છે. ઈ-લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી આણંદ નગરપાલિકાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સંવાદ કરી તેમને ગૃહપ્રવેશ કરાવશે.  

****