AnandToday
AnandToday
Wednesday, 10 May 2023 18:30 pm
AnandToday

AnandToday

છેવાડાના માનવીની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સરકાર સતત પ્રયત્નશીલ- પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

રૂ. ૫૪.૯૬ કરોડના ખર્ચે આકાર પામનાર મિલરામપુર - ગોરાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત

આણંદ, 

આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નાગરિકો માટેની કનેવાલ સિંચાઇ તળાવ આધારિત પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર દ્વારા રૂપિયા ૫૪.૯૬ કરોડના ખર્ચે આકાર પામનાર મિલરામપુર - ગોરાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે, તારાપુર અને ખંભાતના જે પણ ગામડાઓ અને વિસ્તારોમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા હતી એવા મોટાભાગના વિસ્તારોને મિલરામપુર - ગોરાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાથી પીવાનું ચોખ્ખુ પાણી મળી શકશે. રાજ્યના છેવાડાના માનવી તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા તથા દરેક વ્યક્તિ સુધી પાયાની સુવિધા પહોંચાડવા કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ દરેક ઘરે નળ દ્વારા જળ પહોંચાડવાનું અભિયાન ચાલુ કર્યું છે તેના થકી લોકોને પોતાના ઘરે જ પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે. 

મંત્રીશ્રીએ અંદાજિત ૫૫ કરોડના ખર્ચે આકાર લેનાર મિલરામપુરા-ગોરાડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની વિસ્તૃત રૂપરેખા આપતાં જણાવ્યું હતુ કે, આ યોજના ૪ ગ્રુપમાં વિભાજિત છે, જેમાં વલ્લી ગૃપ પેકેજ-૧, તામસા ગૃપ પેકેજ-૨, રોહીણી-કસ્બારા ગૃપ પેકેજ-૩ અને મોરજ-ગલીયાણા ગૃપ પેકેજ–૪નો સમાવેશ થાય છે. આ યોજના પૂર્ણ થતાં તારાપુર તાલુકાના ૨૪ અને ખંભાત તાલુકાના ૧૪ ગામોના કુલ ૮૬ હજારથી વધુ લોકોને લાભ મળશે.  તેમજ આગામી  સમયમાં જે પણ ગામડાઓ કે વિસ્તારો પાણીની સુવિધાથી વંચિત હોય તો તેમને પણ નવીન યોજનાઓમાં સાંકળી લઈ ત્યાંના લોકોને પડતી પીવાના ચોખ્ખા પાણીની અગવડતા દૂર કરવામાં આવશે.

આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, રાજ્ય સરકાર અને મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રત્યે તારાપુર અને ખંભાતના લોકો વતી આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લીલા પ્રદેશ તરીકે ઓળખાતા ચરોતર પ્રદેશના તારાપુર તાલુકાના લોકોની પીવાના શુદ્ધ પાણી માટેની સમસ્યાઓનો હવે આ યોજના સાકાર થતાં અંત આવશે.  

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવી, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રી ભાવિકભાઈ રાઠોડ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી જે.સી.ડાભી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજયભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી અંબાલાલભાઈ અને મયુરભાઈ રાવલ, જિલ્લા અને તાલુકાના વિવિધ અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓ અને પ્રજાજનો હાજર રહ્યા હતાં. 

************