આણંદ,
આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.બી.કાપડીયા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પુર્વીબેન નાયકના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત પેટલાદ તાલુકાના ચાંગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યશ્રી કમલેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પેટલાદના ચાંગા ગામના તમામ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિઓ અને પરિવારો આયુષ્માન કાર્ડ વગર ના રહી જાય તે માટે આ સમયોચિત તકનો લાભ લઈ કાર્ડ કઢાવી લેવા લાભાર્થીઓને તથા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
ચાંગા ખાતે યોજાયેલા આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં ૯૭ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ચાંગા ગામના દાતાશ્રી દ્વારા સગર્ભાબેનને ૦૧, રક્તપિત્તના દર્દી માટે ૦૨ અને ટી.બી. ના દર્દી માટે ૦૭ મળી કુલ ૧૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમીષ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સિરાજ વ્હોરા, ચાંગા ગામના સરપંચશ્રી મંજુલાબેન, ઉપસરપંચશ્રી અશોકભાઇ, મેડિકલ ઓફિસરશ્રી ડૉ. પ્રિયમ ચાવડા, આરોગ્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાગરીકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત સરકારી અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો ખાતે કેન્સર, કિડની રોગ, મગજના રોગ, હૃદય રોગ જેવી બીમારીઓમાં રૂ. ૫ લાખ સુધીની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન યોજનાની જાગૃતતા અને તેનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાઇ છે, તે અંતર્ગત આણંદ જિલ્લાના ગામો ખાતે આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ઘેર બેઠા આયુષ્માન કાર્ડ મળે તે માટે આયુષ્માન વાન દ્વારા ગામોમાં કેમ્પ કરીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪.૫ લાખ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
*******