AnandToday
AnandToday
Saturday, 06 May 2023 18:30 pm
AnandToday

AnandToday

ખેડા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૬૯૮૮ યુવાનોને રોજગાર અપાવવામાં આવ્યો

જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ ૪૨ ભરતીમેળા થકી ૨૯૯૯ જોબ પ્લેસમેન્ટ અપાવવામાં આવ્યા

નડિયાદ

જિલ્લા રોજગાર કચેરી ખેડા-નડિયાદ દ્વારા મોડેલ કેરિયર સેન્ટર, નિવાસી તાલીમ વર્ગ, દિવ્યાંગ નોંધણી કેમ્પ, ફક્ત બહેરા-મુંગા ઉમેદવારો માટે ભરતીમેળો, દિવ્યાંગ પારીતોષિક યોજના તેમજ નવા નોકરીદાતા શોધવા સહિતની ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા જિલ્લાનાં યુવાનોને રોજગારી અપાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. 

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા નડિયાદ મોડલ કેરિયર સેન્ટર દ્વારા એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ સુધીમાં અનુબંધમ પોર્ટલ ઉપર ૩૫૪૨ રોજગારવાચ્છુંઓના નામ નોંધણી કરવામાં આવ્યા. નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ના ૭૦૦૦ ના લક્ષાંક સામે કુલ ૬૯૮૮ એટલે કે ૯૮.૮૨ % રોજગારી આપવામાં આવી. કુલ ૪૨ ભરતીમેળા થકી ૨૯૯૯ જોબ પ્લેસમેન્ટ અપાવવામાં આવ્યા. ૨૦ મુદ્દા એસસી પ્લેસમેન્ટ અંતર્ગત ૬૦૮ અને ૨૦ મુદ્દા એસટી પ્લેસમેન્ટ અંતર્ગત કુલ ૭૪ પ્લેસમેન્ટ કરવામાં આવી. કુલ ૨૩ ઓવરસીઝ સેમીનાર યોજવામાં આવ્યા અને શાળા/કોલેજ ખાતે ૮૯ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યા છે.

નવા નોકરીદાતા શોધવાની કામગીરી તેમજ નવી રોજગારી હેતુ CNV ACT – ૧૯૫૯ અંતર્ગત ખેડા જિલ્લામાં નવા સ્થપાયેલ કુલ – ૬૪ ખાનગી એકમો શોધવામાં આવેલ છે. જે અનુબંધમ પોર્ટલ ઉપર નોંધવામાં આવેલ છે, જેમાં કુલ ૩૫૭૧ કર્મચારીઓ કાર્યરત છે.

દિવ્યાંગ પારિતોષિક યોજના અંતર્ગત શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા દિવ્યાંગોને નોકરી અપાવતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફીસરને રાજ્ય દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-૨, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારોહમાં ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૧ના વિજેતાઓમાં નોકરીદાતા તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ, સ્વરોજગાર માટે પ્રીતીબેન ભાવાણી અને વિપુલકુમાર ઠક્કર તથા કર્મચારી કેટેગરીમાં જગદીશભાઈ પંચાલને વિજેતા જાહેર કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ફક્ત બહેરા, મૂંગા ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી નડિયાદ –ખેડા દ્વારા તા.૧૫/૦૯/૨૦૨૨ ના રોજ ખાસ ભરતી મેળો યોજવામાં આવેલ, જેમાં ફ્લીપકાર્ટ કંપની દ્વારા આસિસ્ટન્ટના હોદ્દા માટે કુલ ૦૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા (નડિયાદ) દ્વારા લશ્કરી ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ સંરક્ષણ દળ નિવાસી તાલીમ યોજના અન્વયે જીલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં શારીરિક કસોટી સાથે લેખિત કસોટીની પણ તૈયારી કરાવવામાં આવે છે. આ તાલીમ રહેવા જમવાની સગવડ સાથે તદ્દન નિ:શુલ્ક છે. તેમજ તાલીમાર્થીઓને પ્રતિદિન રૂ.૧૦૦ લેખે સ્ટાઇપેન્ડ પણ DBT માધ્યમથી ચૂકવવામાં આવે છે. નિવાસી તાલીમ લીધેલ કુલ ૩૧ તાલીમાર્થીઓ પૈકી ૦૪ તાલીમાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા ઊત્તીર્ણ કરી લશ્કરી ભરતીમાં પસંદગી પામેલ છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ ખાતે માહે: એપ્રિલ-૨૦૨૩માં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે નોંધણી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૨૦ રોજગારવાંચ્છુઓની અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલ પર નામ નોંધણી કરાવામાં આવેલ છે.

0000