AnandToday
AnandToday
Saturday, 06 May 2023 18:30 pm
AnandToday

AnandToday

12 લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું જતન

ગુજરાતમાં સૌપ્રથમ ચારૂસેટમાં ડિજિટલ પેપરલેસ પરીક્ષાઓ

ચારૂસેટની 9 કોલેજોના 9000 વિદ્યાર્થીઓ પેપરના બદલે ટેબલેટ પર વાર્ષિક પરીક્ષા આપે છે જેનાથી 12 લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું જતન થાય છે 

આણંદ ટુડે
ચાંગા સ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)ની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતમાં સૌપ્રથમ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન શરૂ કરવામાં આવી છે. હાલમાં યોજાઇ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચારૂસેટની 9 કોલેજોના 9000 થી વધારે વિદ્યાર્થીઓ  પેપરના બદલે પેપરલેસ ડિવાઇસ ટેબલેટ પર પરીક્ષા આપી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે અત્યારે આ એક્ઝામથી 12 લાખ પેપર એટલે કે લગભગ 150 વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 2019માં ચારૂસેટ યુનિવર્સિટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારૂસેટને ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન યોજવાની સુવિધા આપી હતી. ડિજિટલ પેપરલેસ યુનિવર્સિટી એક્ઝામીનેશન સિસ્ટમના અમલીકરણ માટે લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારુસેટના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમી વર્ગો  યોજવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં 1500થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર 2022-2023થી તમામ ઇન્ટરનલ-એક્સ્ટરનલ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવાનું નક્કી કર્યું જેના ભાગરૂપે અત્યારે   પરીક્ષાઓ ટેબલેટ પર લેવામાં આવી રહી છે.

શરૂઆતમાં 1250 ટેબલેટ ચારુસેટે લિટલમોર ઇનોવેશન લેબ્સ પાસેથી વેચાણ લીધા હતા, પહેલા સર્વિસ આધારિત કરાર હતો પરંતુ હવે ચારુસેટ પોતે જ સિસ્ટમમાં પ્રશ્નપત્રો, ઓથરિંગ, આન્સર શીટ ઇવેલ્યુએશન વગેરે  સેટ અપ કરે છે. મલ્ટી મીડિયા ઓડિયો વિડીયો મૂકી પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નપત્રો એન્ક્રીપ્ટેડ મોડમાં ક્લાઉડમાં સેવ રહે છે અને પાસવર્ડથી સ્કેન થાય છે. આથી પેપર લીક થવાની શક્યતા રહેતી નથી. વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે છે અને તે તરત સેવ થઈ જાય છે. ટેબલેટમાં જ ટીચરો પેપર ચેક કરી માર્કસ આપે છે. ટોટલ માર્ક, કેરી ફોરવર્ડિંગ ઓફ માર્ક, સેક્શનવાઇઝ માર્ક, કોર્સ આઉટકમ વાઇઝ માર્કનો રિપોર્ટ આ તમામ સિસ્ટમ જનરેટ કરી આપે છે.    

ચારૂસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડૉ. અતુલ પટેલ જણાવે છે કે  આપણી ચારુસેટ યુનિવર્સીટી ગુજરાતમાં સૌ પ્રથમ છે જેણે ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન શરૂ કરી છે જેમાં સમગ્ર યુનિવર્સીટીના 9 કોલેજોના 9000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ માટે 1250 ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબલેટમાં અપલોડ થાય છે.  પરીક્ષામાં આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે.  ટેબલેટ ડિવાઇસ બેટરી બેક અપ 16 કલાક છે ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇ ફાઈ કનેકશનથી ચાલે છે.  આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પેપરલેસ પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે  તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ડિજિટલ પેપરલેસ  પરીક્ષા લેવામાં આવે છે. અમે આ પરીક્ષા થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું સાકાર કરી રહ્યા છીએ.  આ એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી સિસ્ટમથી પેપરનો બચાવ અને પર્યાવરણનું જતન વધારે થાય છે.  ઉપરાંત  ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે જેના થકી પર્યાવરણના જતનની સાથે સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે.  આ એક્ઝામથી અમે અત્યારે  12 લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું રક્ષણ કરીશું.  

આ પરીક્ષાની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કશું સાથે લાવવાની જરૂર નથી, પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લૉગ ઇન કરી ઇવેલ્યુએશન  કરી ચેક કરી શકે છે અને  રીમાર્ક-સર્કલ-ટીક કરી શકે છે જેના કારણે સરળતા રહે છે. ચારૂસેટમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે   વિદ્યાર્થીઓને  ટેબલેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આ જ ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. ટેબલેટ પર સ્ટાઇલક પેનથી  લખવામાં આવે છે. પેપરલેસને લગતા તમામ ઓપરેશન્સ જેમ કે સોફ્ટવેરમાં એક્ઝામ શિડ્યુઅલ કરવી, વિદ્યાર્થીઓ માટે ડિવાઇસ તૈયાર કરવા, શિક્ષકોને આન્સર સ્ક્રીપ્ટ તપાસવા આપવી વગેરે ધ્યાનમાં રાખવામા આવે છે. 

વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થાય છે. જેથી યુનિવર્સિટી દ્વારા પરિણામો ઝડપથી આપવામાં આવે છે. આથી યુનિવર્સિટી પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા વધુ સુદ્રઢ થઈ છે, એટલું જ નહીં, પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવે છે જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકાય છે.   

બી. બી. એ. વિદ્યાર્થિની એશા પટેલ કહે છે કે અગાઉ કરતાં આ ઓનલાઈન પરીક્ષા વધારે સાનુકૂળ છે અને ટેબલેટ પર લખવામાં વધુ સરળતા રહે છે.

ચારૂસેટના પરીક્ષા સુધારણા એકમ દ્વારા પરીક્ષાલક્ષી પદ્ધતિમાં નવતર પ્રયોગો સમયાનુસાર હાથ ધરવામાં આવે છે જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામો સમયસર પ્રાપ્ત થાય છે. ટ્રાન્સ્ક્રીપ્ટ તથા પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્રો પણ વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામની સાથે જ આપવામાં આવે છે.

આ અભિગમને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, મંત્રી ડૉ. એમ. સી. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડૉ. અતુલ પટેલ, ટ્રસ્ટીઓ, સલાહકારશ્રીઓ, હોદ્દેદારો તેમજ  વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલો –ડીન વગેરેએ બિરદાવ્યો છે.   

ડૉ. અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ એક્ઝામ સેક્શનના OSD ડો. અભિલાષ શુક્લા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.