ચાંગા
ચાંગા સ્થિત વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની CIVF સારથી મીટ સફળતાપૂર્વક યોજાઇ હતી જેમાં રૂ. 1.25 કરોડ સ્ટાર્ટ-અપની ક્ષમતા ધરાવતા 41 ઔદ્યોગિક માર્ગદર્શકો, સલાહકારો અને રોકાણકારો જોડાયા હતા.
CIVF સારથી મીટમાં ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગ, બીટુબી, બીટુસી, ડીટુસી, હેલ્થટેક, EdTech, SaaS, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ઇ-કોમર્સ, ફૂડ ટેક, એફએમસીજી, કોસ્મેટિક્સ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સુસ્થાપિત કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર, સીઇઓ, સીએફઓ, સીઆઇઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોલિસી હેન્ડબુક અને નોન-ડિસ્કલોઝર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમને માન્યતાપત્ર આપવામાં આવ્યા હતા. CIVF ના સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર ડો. સ્વાતિ જોશી દ્વારા CIVF સારથી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે CIVFના ડિરેક્ટર્સ શ્રીમતી મધુબેન પટેલ, શ્રી ગીરીશભાઈ સી. પટેલ, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ અને ચારૂસેટ ગવર્નીગ બોડીના સભ્ય શ્રી હેમલ પટેલે માર્ગદર્શકો, સલાહકારો અને રોકાણકારોનું સન્માન કર્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ મેન્ટરશિપ અને ફંડિંગ એ સ્ટાર્ટ અપ્સને વેગ આપવા માટેના મુખ્ય બે માર્ગો છે. આથી CIVF ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
CIVF સારથી મીટમાં પૂણે, મુંબઈ, ઉદયપુર, અમદાવાદ અને અન્ય વિવિધ શહેરોમાંથી ઔદ્યોગિક માર્ગદર્શકો આવ્યા હતા. વિમેન્સ ફોરમ LAJAમાંથી 15 મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો જેમની સાથે ચારૂસેટે મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા MOU પર હસ્તાક્ષર કર્યા હતા. દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા ઔદ્યોગિક માર્ગદર્શકોએ પોતાના અનુભવો અને કુશળતા સાથે જ્ઞાનને વહેંચવા અને ચારૂસેટના સ્ટાર્ટ-અપ્સને માર્ગદર્શન આપવા, પડકારોને દૂર કરવામાં અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
ડો. સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે આપણા ઔદ્યોગિક માર્ગદર્શકો સ્ટાર્ટઅપ્સની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને મજબૂત અને સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે તેવો અમને વિશ્વાસ છે. ઔદ્યોગિક માર્ગદર્શકો સાથે કામ કરવા તેમજ સ્ટાર્ટઅપ્સના વિકાસ અને વિકાસને સમર્થન આપવા અમે આતુર છીએ. CIVF ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનું અંતર ઘટાડવા પ્રયત્નશીલ છે. CIVF એ તેનો સર્વિસ પોર્ટફોલિયો પણ તૈયાર કર્યો છે જેમાં એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ લેબોરેટરી સેવાઓ, માઇક્રો-જૈવિક પરીક્ષણ લેબોરેટરી સેવાઓ, એનાલ્યુબ લેબોરેટરી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ લેબોરેટરી સેવાઓ ઉદ્યોગોને ખૂબ જ સ્પર્ધાત્મક દરે ઓફર કરવામાં આવે છે. જેનાથી ઉદ્યોગો ખર્ચ ઘટાડવા માટે બચતમાં લાભ મેળવી શકે છે.
CIVF સારથી મીટ નવા યુગના સાહસિકોને સહાયરૂપ આપવાની દિશામાં પ્રથમ પગલું છે. સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી અને અનુભવી સ્ટાફ દ્વારા CIVF ટૂંક સમયમાં ઝડપથી ઇનોવશન અને સાહસિકતાનું હબ બનશે.