AnandToday
AnandToday
Thursday, 27 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા

નાણાંકિય ગેરરીતી બદલ ધર્મજ ગામના સરપંચને અને અસભ્ય વર્તણૂંક બદલ ઉપસરપંચને  હોદ્દા પરથી દૂર કરાયા

ગંભીર પ્રકારની નાણાંકિય ગેરરીતી તથા બજેટ જોગવાઈ કર્યા સિવાય નાણાંકિય ખર્ચ કરવા બદલ ધર્મજ ગામના તલાટી કમ મંત્રીને ફરજમોકૂફ કરાયા


આણંદ, 
 આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીલીન્દ બાપનાએ આણંદ જિલ્લામાં નાણાંકિય ગેરરીતી બદલ ધર્મજ ગામના સરપંચને અને અસભ્ય વર્તણૂંક બદલ ઉપસરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાની સાથે ગંભીર પ્રકારની નાણાંકિય ગેરરીતી તથા બજેટ જોગવાઈ કર્યા સિવાય નાણાંકિય ખર્ચ કરવા બદલ ધર્મજ ગામના તલાટી કમ મંત્રીને ફરજમોકૂફ કર્યા છે. 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આણંદ જિલ્લાના ધર્મજ ગામ ખાતે ધર્મજ ગ્રામ પંચાયતની તા. ૦૯/૦૬/૨૦૨૨ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નિકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવા માટે ઠરાવેલ રકમ કરતા વધુની રકમનો ખર્ચ રેકર્ડમાં દર્શાવવામાં આવ્યો હતો, જેની તપાસ કરતાં ગંભીર પ્રકારની ગેરરીતી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા અને તે અંગેની જોગવાઇઓ મુજબ સરપંચ શ્રીમતી ભાવનાબેન રાકેશકુમાર પટેલને સુપરત થયેલ સત્તાઓ અને ફરજો બજાવવામાં તેઓ કસૂરવાર ઠરતાં તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. 

તેવી જ રીતે પેટલાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીના અહેવાલ મુજબ ધર્મજ ગામના ઉપસરપંચ બિરજુભાઇ ફરસુભાઇ પટેલને ધર્મજ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને અન્ય સ્ટાફ સાથે અસભ્ય અને મનફાવે એવું વર્તન કરવા બદલ તેમના વિરૂદ્ધમાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઈ.આર. ને અવલોકનમાં લેતાં તેઓએ પોતાની ફરજો બજાવવામાં કરેલી ગેરવર્તણૂંક તેમજ શરમજનક વર્તણૂક બદલ બિરજુભાઈ ફરસુભાઇ પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત પેટલાદ તાલુકાના ધર્મજ ગામના તલાટી કમ મંત્રીની ફરજો દરમિયાન શ્રી પી.એસ.પરમાર દ્વારા ધર્મજ ગ્રામ પંચાયતની તા.૦૯/૦૬/૨૦૨૨ ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નિકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવા માટે ખાડો કરી સૂરજબા પાર્ક પાસે ખાડા પુરી લેવલીંગ કરવાના ખર્ચ અંગેની ઠરાવેલ રકમ કરતાં કામના ખર્ચના રેકર્ડની તપાસ કરતા ખાડો ખોદવા અને માટીપુરાણ અને લેવેલીંગ કરવાનો ખર્ચ ઠરાવ કરતા વધુ થયેલ હોવાથી ગંભીર પ્રકારની નાણાંકીય ગેરરીતી આચરવામાં આવી હોવાનું તેમજ ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી ખર્ચ કરતા અગાઉ આગામી નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં તે કામની જોગવાઇ કરવાની રહે છે અને જો અંદાજપત્રમાં જોગવાઇ કરેલ ન હોય તો આકસ્મિક કામ કરવાની પરિસ્થિતિ ઉભી થવાના સમયે ગ્રામ પંચાયતે સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવાનું રહે છે. તે મુજબ અંદાજપત્રમાં પ્રબંધ કરવામાં આવ્યો ન હોય તેવી કોઇ રકમ તાકીદના પ્રસંગ સિવાય ખર્ચવી નહીં અને ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી કરવાના વિકાસના કામોના પ્લાન ગ્રામ પંચાયત સભામા તેમજ ગ્રામસભામાં તૈયાર કરવાના હોય છે. પરંતુ ગ્રામ પંચાયત ધર્મજના વર્ષ ૨૦૨૧-૨૨ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૨-૨૩ ના અસલ અંદાજપત્ર જોતા તમામ જરૂરી જોગવાઇઓનુ પાલન કરવામાં તલાટી કમ મંત્રી શ્રી પી.એસ.પરમાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા હોવાથી તેમને તેમની ફરજો પરથી ફરજમોકુફ કરવામાં આવ્યા છે.
******