AnandToday
AnandToday
Tuesday, 18 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આણંદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત સાંસદ ખેલ સ્પર્ધામાં સહભાગી થઇ રહેલા આણંદના ૬૦૦થી વધુ યુવાનોમાં ઉત્સાહનું સિંચન કરતા મુખ્યમંત્રીશ્રી

આણંદ જિલ્લાના ૩૦ ગામોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ૩૦ ઇ-રિક્શાને હરી ઝંડી આપી મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવી

મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગ રૂપે શ્રીઅન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી


આણંદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બુધવારના રોજ આણંદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને સુંદર રીતે ઝીલી લઇ ગુજરાતના વિવિધ સાંસદશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારમાં રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી યુવાધનને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, તે શ્રૃખંલામાં મુખ્યમંત્રીશ્રીએ આજે આણંદના વૃંદાવન મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
 
મુખ્યમંત્રીશ્રી પટેલે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વિતીય ચરણ અંતર્ગત જિલ્લાની ૩૦ ગ્રામ પંચાયતોને ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ ડોર ટુ ડોર કલેક્શન તથા કચરા એકત્રીકરણ માટેની કુલ ૩૦ ઇ-રિક્શાને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગ રૂપે શ્રીઅન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
 
ભારતીય કૂળની રમત કબડ્ડીની રમતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી પટેલ મેદાનમાં પહોંચી ગયા હતા અને બેલ વગાડી તથા ટોસ ઉછાળીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની કુલ ૧૪ ટીમોનું અભિવાદન પણ મુખ્યમંત્રીશ્રીએ કરી ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ કરાવી હતી. આણંદમા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં ૬૦૦થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.
 
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ રમતો ક્ષેત્રે આણંદ જિલ્લાના રમતવીરોને આ ખેલ સ્પર્ધાના માધ્યમથી જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું રમતગમત કૌશલ્ય બતાવવાની તક મળી રહેશે. આણંદ જિલ્લો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ રમતોના ખેલાડીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક સહાય મળી રહે તેવા પ્રયત્નો હંમેશા કરવામાં આવ્યા છે.
 
સાંસદ શ્રી પટેલે ઉમેર્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રે દેશ સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહ્યો છે. ખેલકૂદ ક્ષેત્રે પણ દેશ આગળ વધે તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાના માધ્યમથી વિવિધ રમતના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરૂ પાડવાની નૂતન પરંપરા શરૂ કરવામાં આવી છે.
 
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ધારાસભ્યો સર્વ શ્રી યોગેશભાઇ પટેલ, વિપુલભાઇ પટેલ, કમલેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, નગરસેવકો, કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, નગરજનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦