AnandToday
AnandToday
Tuesday, 18 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

દેશના ઈતિહાસમાં પહેલીવાર સુરતના વડોદ ખાતે દીકરીઓ માટેનું ગુરૂકુલ નિર્માણ પામશે

ગુરૂકુલનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે: શિક્ષકો, આચાર્ય, વહીવટી અને શૈક્ષણિક સ્ટાફ પણ મહિલાઓ

ત્રણ તબક્કામાં ૨૫૦૦ જેટલી દીકરીઓને અભ્યાસ, હોસ્ટેલ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે

તા.૨૨મીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન થશે

નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ધો.૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે હોસ્ટેલ સુવિધા

ધો.૧ થી પ સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા


સુરત
સામાન્ય રીતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં છોકરાઓ જ અભ્યાસ કરતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે દેશના ઈતિહાસમાં સુરતની ધરતી પર પહેલીવાર દીકરીઓ માટેનું ગુરૂકુલ નિર્માણ પામશે. આઉટર રિંગરોડથી બે કિ.મી.ના અંતરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્રણ તબક્કામાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારે બાલિકાઓ માટેનું વિશેષ ગુરૂકુલ સાકાર થશે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. આગામી તા.૨૨મી એપ્રિલના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
                    જૂન ૨૦૨૪ થી કાર્યરત થનાર આ ગુરૂકુલમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથેનું શિક્ષણ ઉપલબ્ધ થશે. ધો.૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા તેમજ ધો.૧ થી પ સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા ઉભી થશે. ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના પોતાના સંતાનના સંસ્કાર અને શીલની રક્ષા ઈચ્છતા દેશ-વિદેશના કોઈ પણ વાલીઓ પોતાની દીકરીઓને કન્યા ગુરૂકુલમાં પ્રવેશ અપાવી શકશે.
                 અંદાજિત રૂ.૧૨૦ થી ૧૫૦ કરોડના ખર્ચે બનનાર કન્યાઓ માટેના અનોખા ગુરૂકુલના વિચારબીજને મૂર્ત સ્વરૂપ આપવા માટે શ્રી સુરતના નામાંકિત ઉદ્યોગપતિ, સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેનશ્રી ધીરજલાલ કોટડીયાએ ભૂમિદાન કર્યું છે. ઉપરાંત મુખ્ય દાતાઓમાં ધર્મનંદન ડાયમંડ-સુરતના શ્રી લાલજીભાઈ પટેલ તેમજ સુરત, આફ્રિકા ખાતે કાર્યરત શ્રીહરિ ગ્રુપના શ્રી રાકેશભાઈ દુધાત છે. આ ત્રણેય દાતાઓ સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.
                   આ ગુરૂકુલમાં પ્રથમ તબક્કામાં ૬૦૦ જેટલી દીકરીઓને રહેવા જમવા સાથે અભ્યાસની વ્યવસ્થા કરાશે. બીજા તબક્કામાં વધુ ૧૨૦૦ અને ત્રીજા તબક્કા મળી કુલ ૨૦૦૦ થી ૨૫૦૦ દીકરીઓને અભ્યાસ તથા રહેવા-જમવાની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ ગુરૂકુલનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. કેમ્પસમાં પુરૂષ વાલીને પણ પ્રવેશ નહીં હોય એમ શ્રી રાકેશભાઈ દુધાતે વિગતો આપતા જણાવ્યું હતું.
                 સુરત ગુરૂકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ ગુરૂકુલો કાર્યરત છે, જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા છાત્રાલયમાં રહીને વિદ્યા સાથે સંસ્કાર મેળવી રહ્યા છે. આ સર્વ ગુરૂકુલો કુમાર (છોકરાઓ) માટેના છે, જ્યારે દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેના ગુરૂકુલ બનવા જઈ રહ્યું છે.
              વધુમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું કે, વર્ષ ૧૯૪૮માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરૂકુલની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન સંચાલિત આ શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલની સ્થાપના ૭૫ વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે.
                        હાલ ૧૮ વીઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. કુલ છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે. પ્રથમ ફેઝમાં ૩.૫૦ લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. તા.૨૨મીએ વડોદ ગામે કિરણ મેડિકલ કોલેજની પાછળ, તાપી નદીને સામે કિનારે ૧૦ હજાર ઉપરાંત મહિલા,પુરૂષો, અતિથિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. વિશેષત: મુખ્યમંત્રીશ્રી સાથે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંતશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો તથા દાતાશ્રીઓ ભૂમિપૂજન વિધિમાં જોડાશે.
                 જૂન-૨૦૨૪માં બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે અને શૈક્ષણિક વર્ગો શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજકોટમાં પણ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રામમંદિર પાસે, રતનપર ગામે દીકરીઓ માટે ગુરૂકુલના નિર્માણ કરવા માટેનું કાર્ય વેગવંતુ છે.
 -૦૦૦-