AnandToday
AnandToday
Sunday, 16 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

મહેસાણાના શહીદ જવાનના પરિવારને આર્થિક સધિયારો આપતી નડીયાદની યુવતી


નડીયાદની વિધિ જાદવે  સુલીપુર ગામના શહીદ જવાનના પરિવારને મળી રૂ.૧૧ હજારની આર્થિક મદદ કરી

વિધિ જાદવે અત્યાર સુધી ૧૫૪ થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છેઃ દેશની રક્ષા કરતા સૈનિકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સહિયારી છે
 

નડીઆદ

દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા તેમના પરિવારને મદદરૂપ થવું, એ સૌની નૈતિક ફરજ છે અને તે ફરજને નડીયાદની એક યુવતી સારી રીતે નિભાવતી આવી છે. વિધિ જાદવે ફરી એક વખત  મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના એક શહીદ જવાનના પરિવારને આર્થિક મદદ પહોંચાડી છે. 

નડીયાદની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના શહિદ સૈનિક પરિવારની વિધિ જાદવે મુલાકાત લીધી હતી.

વિધિને તેના આ કાર્ય બાબતે શહીદ પરિવારો માટે બીજું કઈ કરવાનો કોઈ વિચાર આવે છે ? તો આ સંદર્ભે તેણીએ જણાવ્યું  કે તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય  તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ તથા ખાસ કરીને તેઓની દિકરીઓના લગ્નમાં પણ  આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વિધિએ આજ સુધી કુલ ૩૪૭  શહિદ સૈનિકના પરિવારોને મદદ કરી ચૂકી છે અને તે પૈકી ૧૫૪ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે તેમજ જુદા જુદા રાજ્યોમાં ૧૦ શહીદ સૈનિકોના સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે.

આ મુલાકાત દરમિયાન વિધિએ જણાવ્યું કે શહીદ સૈનિક રાયસંગજી ઠાકોરના પિતા સવાજીભાઈ ખેતમજૂર છે. તેઓના નામે કોઈ જમીન નથી. આ પિતાને બે પુત્ર અને બે નાની દિકરીઓ છે. તેઓનો એક મોટો પુત્ર પણ ખેત મજુરી કરે છે. જ્યારે આ શહીદ થયેલા સૈનિક પુત્ર એક માત્ર આધાર હતા. હજુ બે નાની દિકરીઓના લગ્ન કરવાના બાકી છે. આ શહીદ સૈનિકને આઠ માસનો પુત્ર છે. તેઓને એક ઓરડાનું નાનકડું પતરા વાળું મકાન છે જે આ શહીદ પુત્રએ મહામહેનતે બનાવ્યું હતું. રાયસંગજી ઠાકોરનું અવસાન તાજેતરમાં ગંગટોક પાસે થયેલા એક અકસ્માતમાં થયું હતું. 

વધુમાં તેઓના માતાપિતાએ પોતાની વેદના વ્યક્ત કરતા વિધિને જણાવ્યું કે આ દિકરો મારો આધાર હતો, હજુ મારે બે નાની દિકરીઓના લગ્ન કરવાના છે, અને આ આઠ માસના નાના બાળકના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી.

વિધિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું  કે ખરેખર આ શહીદ પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. આપણા દેશની રક્ષા કાજે શહીદ થયેલા આ સૈનિકના પરિવારની રક્ષા કે ચિંતા હવે કોણ કરશે? અને પિતાની છત્રછાયા ગુમાવનાર આ આઠ માસના નિર્દોષ બાળકના ભવિષ્યનું શું ?  જ્યારે આપણા દેશના  કોઈ સૈનિક દેશની રક્ષા કરતા શહીદ થાય ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ પરંતુ આ ગર્વની પાછળ તેના માતા પિતા, પરિવારની રહેલી વેદના પણ સમજવી જરૂરી છે.

આમ તો વિધિનો  પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.

પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય  સેવા માટે વરસોથી સક્રિય છે.આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે.

આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના  કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે. 

શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મીયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે.વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી છે. 

વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે  બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જોઈએ. 

નડિયાદની વિધિ જાદવ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે.વિધિ જાદવે અત્યાર સુધી ૧૫૪થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.

વધુમાં આ પ્રવૃત્તિ સાથે સાથે વિધિ પરા વિસ્તારની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપે છે. અનાથ અને ગરીબ બાળકો માટે કપડાં,શાળાની ફી, અનાજ વિગેરેની વ્યવસ્થા પણ કરે છે. 

દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને...
(સંપર્ક : રાજેન્દ્ર જાદવ મો.નં.9925759506)