AnandToday
AnandToday
Sunday, 16 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદમાં અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬મા  પ્રાકટય  મહોત્સવની ઉજવણી અંતર્ગત ભકિતસભર વાતાવરણમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ 

 વૈષ્ણવો દ્વારા ઠેરઠેર પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વૈષ્ણવો સહિત વૈષ્ણવ બહેનોએ માર્ગમાં ગરબા-રાસનો લ્હાવો માણીને શ્રીમદ્દ જગતગુરૂ વલ્લભાચાર્યના જયઘોષ સાથે વાતાવરણને ભકતિસભર બનાવ્યું

 

નડીઆદ 

 અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬મા પ્રાકટયના પવિત્ર દિવસે શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણ વંશાવત નિ. લિ. ગો.શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના આત્મજ શ્રી શુદ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પૂ.પ.ગો. ૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તથા પૂ.ગો.શ્રી ગોકુલોત્સવજી મહોદયના માર્ગદર્શન હેઠળ નડીઆદના શ્રી વલ્લ્ભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ શ્રી શુદ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠ શ્રી ગોકુલનાથજી મંદિર ખાતેથી શ્રી વલ્લભાચાર્યજીને પૂ.ગો. શ્રી ગોકુલોત્સવજી મહોદયશ્રીએ  પાલખીમાં બિરાજમાન કરાવીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી સ્વયં પદયાત્રા કરીને શોભયાત્રામાં સંમેલિત થયા હતા. તેઓની સાથે શ્રી સુધાંશુકમાર લાલજી તથા ચિ. હરિપ્રિયા રાજા,  ચિ. મુદ્રિકા રાજા અને ચિ. સુરભિરાજા પણ જોડાયા હતા. 

આ શોભાયાત્રા શ્રી ગોકુલનાથજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઇ શહેરના  સાંથ બજાર, ભાવસારવાડ, સમડી ચકલા, શ્રીનાથજી મંદિર, ડુમરાલ બજાર, સંતરામ ટાવર થઇને લખાવાડ પંચની વાડી ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ઠેરઠેર વૈષ્ણવો દ્વારા પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મંદિરની બહેનો કળશ સાથે તથા શ્રી પ્રકાશભાઇ સોનીના નેતૃત્વ હેઠળ મંદિરની કિર્તન મંડળી જોડાઇ હતી જયારે વૈષ્ણવો સહિત વૈષ્ણવ બહેનોએ માર્ગમાં ગરબા-રાસનો લ્હાવો માણીને શ્રીમદ્દ જગતગુરૂ વલ્લભાચાર્યના જયઘોષ સાથે વાતાવરણને ભકતિસભર બનાવ્યું હતું. 

આ શોભાયાત્રા લખાવાડ પંચની વાડી ખાતે આવી પહોંચતા  સત્સંગ સભાના રૂપમાં ફેરવાઇ હતી. 

પૂ.ગો. શ્રી ગોકુલત્સવજી મહોદયશ્રીએ આશીર્વચન પાઠવતાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય ભકિતમાર્ગની મૂળભૂત માન્યતાઓનો પરિચય આપી પુષ્ટિ માર્ગના શરણાગતિ, સમર્પણ, સેવા અને ભકિત આ ચાર મુખ્ય ધર્મોને સમજીને વૈષ્ણવોને હૃદયમાં ધારણ કરી સંપૂર્ણત: શ્રી વલ્લભના વૈષ્ણવ બનવાની જણાવી અષ્ટાક્ષર મંત્રનો મહિમા વર્ણવ્યો હતો. 

શ્રી ગોકુલત્સવજી મહોદયશ્રીએ યમુનાષ્ટક, નવરત્નમ, કૃષ્ણાશ્રય સ્ત્રોતમ, ચતુશ્લોકીનો પણ મહિમા વર્ણવી વૈષ્ણવોને શ્રી વલ્લભમય બનવા કહ્યું હતું.  

આ સત્સંગ સભામાં સંતરામ મંદિરના સંત શ્રી સત્યસ્વરદાસજી મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતાં જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યના ષોડષ ગ્રંથનો પાઠ કરવાથી માનવજીવોના દુ:ખ દૂર થતા હોવાનું જણાવી વંદન, વિનય, વિવેક અને સેવા આ ચારને જીવનમાં અપનાવવાનો વૈષ્ણવોને અનુરોધ કરી બ્રહ્મસંબંધમાં મળેલ અષ્ટાક્ષર મંત્રને છોડવાનો નહિં પણ સતત તેનું સ્મરણ કરતા રહેવાનો બોધ આપ્યો હતો. 

બ્રહ્મર્ષ સંસ્કાર ધામના શ્રી પન્નાલાલ વ્યાસે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરી પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો ઉપર ઠાકોરજીની કૃપ અવિરત વરસતી રહે તેમ જણાવ્યું હતું. 

આ પ્રસંગે શ્રીમદ્દ વલ્લભાચાર્યના પ્રાકટય દિનની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ ચિત્ર સ્પર્ધા, પુષ્ટિમાર્ગીય પ્રશ્નપત્ર સ્પર્ધા અને વાર્તાકથનમાં વિજેતા થયેલ વૈષ્ણવોએ પૂ.ગો. શ્રી ગોકુલોત્સવજી મહોદયશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ શોભાયાત્રામાં અગ્રણીઓ સર્વ શ્રી રમેશભાઇ શાહ, દિવ્યેશભાઇ પરીખ, મુકેશભાઇ શાહ, રાજેશભાઇ સરૈયા, દિવ્યેશભાઇ કાપડિયા, વ્રજેશભાઇ પટવા, બાલુભાઇ સોની, ભરતભાઇ સોની, ભાવેશભાઇ સોની, અમીતભાઇ સહિત મંદિરની ફૂલઘરની મહિલાઓ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ યુવતી મહિલા મંડળ, પાઠશાળા, કેસરિયા મંડળી, વલ્લભ પદયાત્રા સંઘના સભ્યો, બાલકૃષ્ણ પ્રભુ ગૌ-જન સેવા ટ્રસ્ટના સભ્યો સહિત નગર નડીઆદના વૈષ્ણવો મોટી સંખ્યામાં  જોડાયા હતા. 

-------------------------