AnandToday
AnandToday
Tuesday, 04 Apr 2023 18:30 pm
AnandToday

AnandToday

ટી.બી હારેગા, દેશ જીતેગાનો સંદેશ આપતા નડિયાદનાટીબી ચેમ્પિયનનીતિનભાઈ

ખેડા જિલ્લામાં ટી.બી.ના અંદાજે ૫૦૦૦ કરતા વધુ કેસ . 

 વર્ષ ૨૦૨૨માં ૫૧૪૯ દર્દીઓમાંથી ૪૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી 

સો દિવસ : સાથ, સહકાર અને સેવાના

ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસમાં ૮૦૦ થી વધુ ટી.બી. ન્યુટ્રીશન કીટ આપવામાં આવી

નડીઆદ

માનવ શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. તેમા પણ આ એક બીમારી એવી છે જેના કારણે માનવી સંકોચમાં જીવન જીવે છે. ઘણી વખત દર્દીની આસપાસના લોકો તેમની સાથે આભડછેડ વાળું વર્તન કરતા હોય છે જેના કારણે આ રોગના દર્દીઓ મન ખુલીને જીવી શકતા નથી. આ રોગ એટલે ટી.બી.. 
ટી.બી.ના દર્દીની શારિરીક, માનસિક અને સામાજીક પરિસ્થિતિમાં સતત સાથ, સહકાર અને સેવાની ભાવનાથી તેમના પડખે ઉભી રહે છે ગુજરાત રાજ્ય સરકાર અને સરકારનો આરોગ્ય વિભાગ. 
ટી.બી.ને ટ્યુબર ક્લોસીસ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં સામાન્ય રીતે ફેફસાંમાં થનારા સંક્રમણના લક્ષણ બહુ સામાન્ય હોય છે અને તેને નજરઅંદાજ કરવામાં આવે તો અડધાથી વધુ દર્દીઓ બચી શકતા નથી. પણ બેક્ટેરિયાથી થતું આ સંક્રમણ દુનિયાનું સૌથી જીવલેણ સંક્રમણ માનવામાં આવે છે. તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ટીબી દિવસ (World Tuberculosis Day) મનાવે છે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ ટી.બી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

ઈ.સ ૧૮૮૨માં વૈજ્ઞાનિક રોબર્ટ કોક દ્વારા ૨૪ માર્ચના રોજ ટીબીના દર્દીમાંથી માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબર્કલ બેસીલાઈ શોધી કાઢવામાં આવ્યા કે જે ટી.બી. કરવા માટેના જવાબદાર બેક્ટેરિયા હતા. ટી.બી.ના કારણભૂત બેક્ટેરિયાની શોધ થવાથી તેના વિરુદ્ધની અસર કરતી દવાઓ પણ શોધવામાં આવી. 

ભારતમાં ૧૯૬૨થી નેશનલ પ્રોગ્રામ તરીકે નેશનલ ટી.બી. કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો જેની અંદર મુખ્યત્વે એક્સ-રે પર આધારિત નિદાન હતું. આ સમય દરમિયાન માઈક્રોસ્કોપીની પણ શરૂઆત કરવામાં આવેલ હતી જે ૧૯૯૨ સુધી ચાલુ રહી પરંતુ તેમાં એક્સ-રેના આધારે નિદાન કરવામાં આવતા કેટલાક દર્દીઓ ખોટી સારવાર પર રખાઈ જતા હતા અને ઘણા ટી.બી.ના દર્દીઓ સારવાર વગર રહી જતા હતા. આ કારણે ૧૯૯૩થી રિવાઇઝ નેશનલ ટી.બી. કંટ્રોલ પ્રોગ્રામ અમલીકરણ કરવામાં આવ્યો જેમાં મુખ્યત્વે પાંચ કમ્પોનન્ટ રાખવામાં આવ્યા જેમાં (૧) પોલિટિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રતિબદ્ધતા (૨) ગુણવત્તા યુક્ત દવાઓ (૩) નિદાન માટેની સચોટ પદ્ધતિ (૪) ડોટસ સ્ટ્રેટેજી અને (૫) સતત મોનિટરિંગનો સમાવેશ થાય છે.

આમ આ પદ્ધતિના લીધે આપણે ટીબીના દર્દીઓને સારી રીતે નિદાન કરી શક્યા અને તેમાંથી સાજા થવાના દરમાં પણ સુધારો જોવા મળ્યો. ૨૦૩૦ સુધીના ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રમાણે ભારતમાંથી ટી.બી.ને એલિમિનેટ (નાબૂદ) કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો. પરંતુ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાંથી ૨૦૨૫ સુધીમાં જ ટીબી એલિમિનેશન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. જે અંતર્ગત ૨૦૧૭ થી ૨૦૨૫ સુધીમાં ટી.બી.ને નાબૂદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી. 

આ પ્રવૃત્તિઓ પૈકી મુખ્યત્વે તમામ ટી.બી.ના દર્દીઓને શોધી કાઢવા, કોમ્યુનિટીમાંથી દર્દીઓને નિદાન કેન્દ્રમાં મોકલવા અધ્યતન નિદાન પદ્ધતિ જેવી કે સ્પુટમ માઈક્રોસ્કોપી True Naat, CBNAAT, LPA અને કલ્ચર પદ્ધતિ પણ અપનાવવામાં આવી.
આ ઉપરાંત એક્સ-રે અને ફેફસા સિવાયના ટી.બી. માટે સોનોગ્રાફી, MRI કે સીટી સ્કેનની મદદથી પણ ફેફસા સિવાયનો ટી.બી. શોધી કાઢવામાં આવ્યો. આ ઉપરાંત ફિક્સ ડ્રગ્સ કોમ્બિનેશનની દવાઓ દરરોજ આપીને તેનું ટ્રીટમેન્ટ સપોર્ટર દ્વારા દૈનિક મોનિટરિંગ કરવામાં આવે છે.
ટી.બી. એ બહુ જુનો રોગ છે. ટી.બી. અંગેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ જોવા મળે છે. પહેલાના સમયમાં ટી.બી. રોગ અંગેની પુરતી જાણકારીના અભાવે ટી.બી.ને બાપ, પાપ કે શ્રાપનું ફળ માની ટીબીના દર્દીઓને ગામની બહાર રાખવામાં આવતા હતા.
“ટીબી મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત
વર્ષ ૨૦૧૮માં પ્રધાન મંત્રીશ્રીએ એક પ્રોજેક્ટની શરૂઆત કરી જે અંતર્ગત ટી.બી.ના દર્દીઓને દાતાઓ દ્વારા ન્યુટ્રીશન કીટ આપવામાં આવે જેથી કરીને તેમના સાજા થવાના દરમાં વધારો થાય. ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્વારા ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન’નો શુભારંભ કરાવવામાં આવ્યો. જેમાં કોમ્યુનિટી સપોર્ટ અન્વયે દાતાશ્રીઓ દ્વારા પૌષ્ટિક આહાર ધરાવતા ન્યુટ્રીશન કીટનો ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી દર્દીઓને મળી રહે એ રીતની અપીલ કરવામાં આવી. તેમાં જુદા જુદા NGO, કોર્પોરેટ ઓફિસો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત સામાન્ય જનતા દ્વારા પણ ન્યુટ્રીશન કીટ સીધી દર્દીઓને મળતા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થયો છે. 

વધુમાં સાજા થયેલા ટી.બી. ના દર્દીઓ દ્વારા ટી.બી.ના અન્ય દર્દીઓ પણ પૂરી સારવાર લે અને તેઓનું મનોબળ વધે તે માટે મોટીવેટ કરવામાં આવે છે. આ મોટીવેટરને “ટી.બી. ચેમ્પિયન”નું બિરુદ આપવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા તેમને માનદવેતન સાથે પ્રોત્સાહન આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવે છે. 

નિક્ષય પોષણ યોજના અંતગર્ત સરકાર તરફથી આપવામાં આવતી સહાય
ટી.બી.ની બીમારી થઈ ગયા બાદ તેવા દર્દીઓને પૌષ્ટિક આહારની જરૂર પડે છે. કારણ કે ટી.બી.ના રોગીઓ ને દવાની સાથે સારો ખોરાક ખાવા મળે તો જ તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે છે. 
પ્રધાનમંત્રી દ્વારા નિક્ષય પોષણ યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેમાં ટી.બી.ના દર્દીઓને દર મહિને ૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યાં સુધી ટી.બી. રોગ તેઓના શરીરમાંથી જતો ન રહે એટલે કે તેઓ ટી.બી.થી સારા ન થાય ત્યાં સુધી આ “Nikshay Poshan Yojana DBT” દ્વારા સહાય આપવામાં આવે છે.   


ટી.બી ચેમ્પિયન” - પીઠવા નીતિન પ્રેમજીભાઈ

નડિયાદના રહેવાસી “ટી.બી. ચેમ્પિયન” પીઠવા નીતિન પ્રેમજીભાઈ જણાવે છે કે વર્ષ ૨૦૨૦માં તેઓને ટી.બીની બીમારીની જાણ થઇ ત્યારબાદ તેઓએ ખાનગી હોસ્પીટલમાં ઈલાજ કરાવવાની શરૂઆત કરી પણ ખર્ચ ન પરવડતા તેઓએ સરકારી દવાખાનામાં નડિયાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ઈલાજ કરાવ્યો. તેઓ જણાવે છે કે હાલમાં જ જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર ફરીવાર ચૂંટાયાના સો દિવસ પૂર્ણ થયા છે ત્યારે તેઓની સરકારની સાથ, સહકાર અને સેવાના આ યજ્ઞ દ્વારા ટી.બી.ની દર્દીઓ માટે કરાતું ઉત્તમ કામ પ્રશંસનીય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સરકાર તરફથી ટી.બી દર્દીઓને સારવાર દરમ્યાન દર મહીને રૂ.૫૦૦ની સહાય તેઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ લાભ આપવામાં આવે છે. આ રકમ ટી.બી.ના દર્દીઓને તેઓ એકદમ સાજા થઈ જાય ત્યાં સુધી આપવામાં આવે છે. ટી.બી.ના દર્દીઓને જ્યારે ટી.બી. રોગનો રિપોર્ટ પોઝિટિવ આવે છે ત્યારે નોંધણી સમયે ૧૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. નિક્ષય પોષણ યોજના હેઠળ જે લોકો ટી.બી.ના રોગીઓને દવા આપવાનું કામ કરતા હોય તેઓને પણ સરકાર દ્વારા રૂપિયા ૧૦૦૦ થી ૫૦૦૦ની સહાય આપવામાં આવે છે. “ટી.બી હારેગા, દેશ જીતેગા” આ સૂત્ર સાથે સમાજમાં બીજા લોકોને સંદેશ આપતા નીતિનભાઈએ કહ્યું કે ટીબી કોઈ જીવલેણ રોગ નથી એટલે ડરવાની જરૂર નથી તમે સમયસર તેનો ઈલાજ કરાવો તો તે મટી શકે છે.  

કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સેન્ટ્રલ ટી.બી. ડીવીઝન દ્વારા દરેક રાજ્યમાં એક સંસ્થાને ટી.બી. ચેમ્પિયન અંતર્ગતની કામગીરી સોંપવામાં આવે છે. ગુજરાતમાં મમતા હેલ્થ ઇન્સ્ટીટ્યુટ ફોર મધર એન્ડ ચાઈલ્ડ નામની સંસ્થા કાર્યરત છે જે ટી.બી ચેમ્પિયન થકી બીજા ટી.બીના દર્દીઓને સમજાવવાનું, રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઘરે બેઠા ટીબીના દર્દીઓને ફોન દ્વારા માહિતી આપવાનું અને સમયસર દવા લેવાનું સમજાવવાનું કાર્ય કરે છે. ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ એમ કુલ ૦૫ તાલુકામાં ટી.બી ચેમ્પિયન વોલીન્ટીયર તરીકે અને ૦૩ ટી.બી ચેમ્પિયન રેપીડ રિસ્પોન્સ ટીમ તરીકે જિલ્લા ક્ષય કેન્દ્ર નડિયાદ સાથે કાર્યરત છે. 

ગુજરાતની મમતા હેલ્થ ઇન્સ્ટીટ્યુટ ફોર મધર એન્ડ ચાઈલ્ડના સ્ટેટ ઓપરેશન લીડ શ્રી આલોક કુમાર સિંઘે જણાવ્યું કે અત્યારે ગુજરાત રાજ્યમાં ૯ જિલ્લામાં ૧-૧ ડિસ્ટ્રીકટ કોર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. આ ડિસ્ટ્રીકટ કોર્ડીનેટર દ્વારા સૌ પ્રથમ મીટીંગ કરી રૂબરૂ મુલાકાત લઇ અને ત્યારબાદ ટી.બી પેશન્ટને ફોન કોલ અને મેસેજ દ્વારા સતત તેનું કાઉન્સેલિંગ રાખવામાં આવે છે. અને સમયસર દવા લેવાનું જણાવવામાં આવે છે. 

ખેડા જિલ્લામાં ટી.બી.ના અંદાજે ૫૦૦૦ કરતા વધુ કેસ છે.

ખેડા જીલ્લાના ક્ષય અધિકારી શ્રી ડૉ. દિનેશભાઈ બારોટે જણાવ્યું કે ખેડા જિલ્લામાં ટી.બી.ના અંદાજે ૫૦૦૦ કરતા વધુ કેસ છે. જેમાં વર્ષ ૨૦૨૨માં ૫૧૪૯ દર્દીઓમાંથી ૪૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી એટલેકે ૯૦% દર્દીઓની સારવાર થઇ તેમજ ૮% ડેડ દર્દીઓ અને ૨% ફેલીયર દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતગર્ત દાતાઓ દ્વારા ૬ મહિના સુધી ન્યુટ્રીશન કીટ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ થી માર્ચ૨૦૨૩ સુધીમાં ખેડા જિલ્લામાં ૮૦૦થી વધુ ન્યુટ્રીશન કીટ આપવામાં આવી છે. તેમજ ટી.બી.ના દર્દીઓને ટી.બી.ની સારવાર દરમ્યાન રૂ.૫૦૦ આપવામાં આવે છે અને અત્યાર સુધી ખેડા જિલ્લામાં ટીબીના દર્દીઓને રૂ. ૧.૫૦ કરોડની સહાય ચાલુ વર્ષે આપવામાં આવી છે. 

આ ઉપરાંત ખેડા જિલ્લામાં લાયન્સ ક્લબ દ્વારા અંદાજે 30 લાખની કિંમતના True Naat મશીનો આપવા માટે તૈયારી બતાવેલ છે. વધુમાં થર્મલ પાવર સ્ટેશન વણાકબોરી દ્વારા ૧૦ True Naat મશીન આપવા માટે પણ સંમતિ દર્શાવેલ છે. આ એક મશીનની કિંમત અંદાજે રૂ. ૧૫ લાખ હોય છે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ગળતેશ્વર તાલુકાના ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનું નક્કી કરેલ છે. લાયન્સ ક્લબના તમામ મિત્રો દ્વારા પણ હયાત દર્દીના ૧૦% દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનો આહવાન સ્વીકારવામાં આવેલ છે તેમજ  ખેડા જિલ્લામાં તમામ કોર્પોરેટ ઓફિસો અને પદાધિકારીઓ દ્વારા પણ ટી.બી. નાબૂદ કરવા માટે સહકાર મળી રહેલ છે.

આમ સરકારશ્રી અને ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર સહિત જિલ્લા સામાજિક તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ખેડા જિલ્લો પ્રધાનમંત્રીશ્રીના ટી.બી. મુક્ત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.