વાગરા,તા.૪
વાગરા તાલુકા ના દહેજ ગ્રામ પંચાયત ની ગટર ની સફાઈ કરવા અંદર ઉતરેલા ત્રણ સફાઈ કર્મીઓના ગેસ લાગવાને કારણે મોત નિપજતા પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.બનાવ ને પગલે દહેજ પોલીસ સહિત ડી.વાય.એસ.પી ઘટના સ્થળે દોડી ગયા હતા.દહેજ ની એક ખાનગી કંપની ના ફાયર ફાઈટરો એ મૃતકો ને ગટર માંથી બહાર કાઢ્યા હતા.ત્રણેવ મૃતકો ની ડેડ બોડી ભરૂચ સિવિલ હોસ્પિટલ માં પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.જ્યારે વધુ એક ને ગેસ લાગતા અને અન્ય એક પોતાના ભાઈના મોત નો આઘાત સહન ન કરી શકતા હાલ પ્રાથમિક સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે.
બનાવ સંદર્ભે મળતી માહિતી મુજબ દહેજ ગ્રામ પંચાયતે ગામની ગટર નો સાફ-સફાઈ નો કોન્ટ્રાકટ કોન્ટ્રાક્ટર ને આપ્યો હતો.કોન્ટ્રાકટ ના માણસો બી.એસ.એન.એલ ટાવર ની સામે આવેલ ખરીમાં થી પસાર થતી ગટર લાઈન માં સાફ સફાઈનું કામ કરવા ગટર ની અંદર ઉતર્યા હતા.જ્યારે બે જણ બહાર ઉભા હતા.દશ ફૂટ થી વધુ ઊંડી ગટર સાફ કરવા ઉતરેલા એક કામદાર ને ગેસ લાગતા તેણે બુમરાણ કરતા અન્ય કામદાર તેને બચાવવા ગયો હતો.તે પણ બહાર નહિ આવતા ત્રીજો કામદાર અંદર ઉતરતા ત્રણેવ ને ગેસ લાગવાથી ગૂંગળામણ થતા વારા ફરતી ત્રણેવ કામદારો ના મોત નિપજયા હતા.જ્યારે ચોથા કામદાર ને અસર થતા હાલ સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે.આ અંગે ની જાણ દહેજ પોલીસ ને અને ગ્રામજનો ને થતા ઘટના સ્થળે સૌ દોડી ગયા હતા.બિરલા કોપર ના ફાયર ફાઈટરોએ દોડી જઇ ગટર માં ઉતરી મૃતકો ને બહાર કાઢયા હતા.મૃતકો ની લાશ ને પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં ખસેડવા માં આવી હતી.બનાવ ને પગલે દહેજ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે.આ બનાવ બાબતે પંચાયત ના જવાબદાર સત્તાધીશો નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યુ હતુ.
બનાવ ને પગલે મૃતકો ના સગા સંબંધીઓ ઉપર જાણે આભ ફાટયુ હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યુ હતુ.
(૧) ગલસિંગભાઈ વરસિંગ ભાઈ મુનિયા,(ઉ.વ.૩૦)
(૨) પરેશભાઈ ખુમસંગભાઈ કટારા,(ઉ.વ.૨૨)
(૩) અનિપભાઈ ઝાલુભાઈ પરમાર,(ઉ.વ.૨૪)
ઉપરોક્ત ત્રણેવ મૃતકો ઉપરાંત સારવાર હેઠળ રહેલ બે શ્રમિકો ભાવેશભાઈ ખુમસંગ ભાઈ કટારા (ઉ.વ.૨૨) તેમજ જીગ્નેશ ભાઈ અરવિંદ ભાઈ પરમાર (ઉ.વ.૧૮) હાલ દહેજ ગ્રામ પંચાયત ની ઓરડી માં વસવાટ કરતા હતા.અને મૂળ તેઓ દાહોદ, ઝાલોદ તરફ ના વતની હોવાની આધારભુત સૂત્રો પાસેથી વિગતો સાંપડી છે.