આણંદ
લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2022-23માં રૂ.55,055 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યું છે. જીસીએમએમએફની 18.5 ટકાની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે. અમારી ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ 21 ટકાના દરે વૃધ્ધિ નોંધાવીને જીસીએમએમએફના ટર્નઓવરમાં 50 ટકાનું યોગદાન આપ્યું છે અને આઈસ્ક્રીમ રેન્જ 41 ટકાના દરે વૃધ્ધિ પામી છે. અમારી કન્ઝ્યુમર પ્રોડક્ટ કેટેગરીએ વાર્ષિક ધોરણે 23 ટકાનો વૃધ્ધિ દર નોંધાવ્યો છે, જેમાં ચીઝ, બટર, યુએચટી મિલ્ક, મિલ્ક બેવરેજીસ, પનીર, ક્રીમ, છાશ અને દહીંમાં 20 થી 40 ટકાનો વૃધ્ધિ દર જોવા મળ્યો છે. અમૂલ ગ્રુપના સભ્ય સંઘોનું પ્રોવિઝનલ અનડુપ્લિકેટેડ ગ્રુપ ટર્નઓવર રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નો આંક વટાવી ગયું છે.
વસ્તીની દ્રષ્ટિએ ટોચના 400 શહેરોમાં વિતરણ નેટવર્ક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જીસીએમએમએફે તેની 82 શાખાઓ, અને ગોદામોની માળખાકિય સુવિધા વધારીને વર્ષ 2023-24માં 100થી વધુ કરી છે. આ શહેરોમાં વિતરકો અને રિટેઈલ વેચાણમાં પણ વધારો થયો છે.
18 સભ્ય સંઘોનું બનેલું જીસીએમએમએફ ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂત સભ્યો પાસેથી દૈનિક સરેરાશ 270 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. ભારતના ટોચના મહાનગરોની દૂધ અને દૂધની પેદાશોની માંગ સંતોષવા માટે જીસીએમએમએફના સભ્ય સંઘોએ 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.
ઈન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક (આઈએફસીએન)ના આંકડા મુજબ જીસીએમએમએફ દુનિયાની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ધરાવે છે અને બ્રાન્ડ ફાયનાન્સ 2022 રિપોર્ટ, યુકે ના જણાવ્યા મુજબ અમૂલ સૌથી સબળ ડેરી બ્રાન્ડ હોવાની સાથે સાથે ભારતમાં વિવિધ પ્રોડકટના વાર્ષિક 2000 કરોડ પેકેટ નું વિતરણ કરે છે.
ઓર્ગેનિક ફૂડ, હાઈ પ્રોટીન પ્રોડક્ટ, પ્રો-બાયોટીક રેન્જ અને તાજી મિઠાઈઓની નવી પ્રોડક્ટ કેટેગરીમાં જીસીએમએમએફ રોકાણ કરી રહ્યું છે કે જેથી આપણી ભાવિ પેઢીના ગ્રાહકો આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પ્રોડક્ટમાંથી પોષણ મેળવી શકે. આ દરેક પ્રોડક્ટ કેટેગરી મારફતે અમૂલ ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડમાંથી, ભારતની સૌથી મોટી, ફૂડ એન્ડ બેવરેજીસ એફએમસીજી કેટેગરી બનવા તરફ આગળ ધપી રહી છે.
આંતરરાષ્ટ્રિય ગ્રાહકોની સ્વાદ ગ્રંથિઓને ધ્યાનમાં રાખીને જીસીએમએમએફે પૂનામાં તેની પ્રથમ ઈન્ટરનેશનલ આઈસ્ક્રીમ લોન્જ રજૂ કરી છે કે જ્યાં 13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ માણી શકાય છે. દરેક ફ્લેવર પોતાના મૂળ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ મોડેલનું ભારતના તમામ મોટા શહેરો અને એરપોર્ટ ખાતે પુનરાવર્તન કરવામાં આવશે.
ઝડપી વિસ્તરણનો મંત્ર જીસીએમએમએફને સ્પષ્ટપણે સમૃધ્ધ ડિવિડંડ આપી રહ્યો છે તેવો ઉલ્લેખ કરતાં જીસીએમએમએફના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમૂલની પ્રોડક્ટની બજાર માંગમાં અંદાજીત વૃધ્ધિ તથા અમારા ભવિષ્યના માર્કેટીંગના આયોજનો ને અનુલક્ષીને જીસીએમએમએફ વર્ષ 2025 સુધીમાં રૂ.1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન ધરાવે છે. દૂધના વધુ એકત્રીકરણ તથા સતત વિસ્તરણને કારણે નવા બજારોમાં ઉમેરો કરીને તથા નવી પ્રોડક્ટસ રજૂ કરતા રહીને તથા દેશભરમાં નવી મિલ્ક પ્રોસેસીંગ ક્ષમતાનો ઉમેરો કરીને આગામી 7 વર્ષમાં 20 ટકાથી વધુ એકંદર વાર્ષિક વૃધ્ધિ દર હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે.”
ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભ્યો વતી વાત કરતાં જીસીએમએમએફના વાઈસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ મારફતે સતત અને સમયસર સહયોગ આપવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર માન્યો હતો.
જીસીએમએમએફના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ જણાવ્યું હતું કે “અમે તમામ પ્રોડક્ટ કેટેગરીના વેચાણ જથ્થામાં વૃધ્ધિ હાંસલ કરી છે. પાઉચમાં વેચાતું દૂધ કે જે સર્વોચ્ચ ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ છે, તે પ્રોડક્ટે બે આંકડાનો વૃધ્ધિ દર દર્શાવ્યો છે. આ ઉપરાંત અમારી બટર, ઘી, આઈસ્ક્રીમ, યુએચટી મિલ્ક, ફ્લેવર્ડ મિલ્ક, પનીર અને ફ્રેશ ક્રીમમાં પણ બે આંકડાનો વૃધ્ધિ દર જોવા મળ્યો છે.”
અમે માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનિય ગૃહ અને સહકાર પ્રધાન શ્રી અમિત શાહનો સહકારી ક્ષેત્રને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા બદલ તથા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનિક લિમિટેડ (એનસીઓએલ) અને નેશનલ કો-ઓપરેટીવ એક્સપોર્ટ લિમિટેડ (એનસીઈએલ) સહિત ત્રણ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ્ઝ વિકસાવવા બદલ તથા ઓર્ગેનિક પ્રોડક્ટસના એકત્રીકરણ તથા બજાર સંપર્ક પૂરો પાડવા માટે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે માર્ગદર્શન પૂરૂં પાડવા બદલ આભાર માનીએ છીએ.
અહીં એ નોંધવું મહત્વનું છે કે જીસીએમએમએફ દૂધ ઉત્પાદકોને ગ્રાહકોના રૂપિયાનો 80 થી 85 ટકા હિસ્સો સુપ્રત કરે છે અને તે રીતે વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે.