AnandToday
AnandToday
Thursday, 30 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાં વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે 

દાતા શ્રી દિનશા પટેલ દ્વારા ચારૂસેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 1.51 કરોડનું સંકલ્પ દાન

રૂ.1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો


ચાંગા
 ચાંગાસ્થિત વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી- સંસદસભ્ય, વિખ્યાત સામાજિક અગ્રણી, દિલાવર દાતા શ્રી દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે, શુક્રવારે  એક બેઠક દરમિયાન આ ચેક શ્રી દિનશા પટેલના હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી. સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, ઇન્ટરનલ ઓડિટર શ્રી બિપિનભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો તેમજ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ  તરફથી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી વિનયભાઈ પટેલ, શ્રી હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. 
શ્રી દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી. સી. એ. પટેલ, શ્રી એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યા હતા. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે. 
આ વિષે શ્રી દિનશા પટેલે જણાવ્યુ હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે શ્રી સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતની સુવિધા સ્થપાય તે વાત જાણી મને આનંદ થયો. રૂબરૂ ચર્ચા દરમિયાન જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં  દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે. 
3 માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ્નેસ્ટીક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશીયમ, એરોબીક્સ એકસરસાઈઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડીટેશન સેન્ટર, એડમીન ઓફીસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝીયોથેરાપી ટ્રીટમે ન્ટ કલીનીક,  રીફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા  ઉપલબ્ધ થશે.    
સ્પોર્ટ્સ પ્રત્યે પહેલેથી જ લગાવ ધરાવતા શ્રી દિનશા પટેલ વર્ષોથી નડિયાદમાં સ્પોર્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા ઊભી કરનાર શ્રી દિનશા પટેલ માને છે કે યુવા પેઢી સદા  સ્પોર્ટ્સ સાથે જોડાયેલી રહે અને દેશદુનિયામાં ચરોતરનું નામ રોશન કરે. નડિયાદના અક્ષર પટેલે ક્રિકેટમાં દુનિયામાં નામ ગુંજતું કર્યું છે. અત્યારે યુવાનોની સાથે યુવતીઓ પણ વિવિધ સ્પોર્ટ્સમાં સતત અગ્રેસર છે. ત્યારે ચારુસેટમાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ દેશદુનિયામાં નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે  વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ચારુસેટનો વિદ્યાર્થી રિપલ પટેલ અત્યારે IPL સુધી પહોંચ્યો છે. 
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જેમાં ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ, પેશન્ટ વેલ્ફેર ફંડ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. જેનું ઋણ અદા કરવા  શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા દાતા દિનશા પટેલને 22મી જાન્યુઆરી 2022ના રોજ ચારૂસેટમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.