AnandToday
AnandToday
Thursday, 30 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા નાણાંકીય વર્ષની ભેટ 

દૂધ ખરીદ ભાવમાં વધારો તેમજ દરેક દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો....

અમૂલ ડેરી, આણંદ દ્વારા તારીખ ૧લી એપ્રિલ ૨૦૨૩ સવારથી દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦ નો વધારો

આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૪ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

આણંદ
વિશ્વ પ્રસિદ્ધ આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા તારીખ ૦૧.૦૪.૨૦૨૩ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૦૦ થી વધારી ૮૨૦ આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૪ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલ ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થયેલ છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ ભેંસ દૂધના ૧.૨૪ થી ૧.૪૪ રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં ૦.૮૪ થી ૦.૯૦ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયેલ છે.

વધુમાં અમૂલ ડેરી આણંદના ચેરમેન  વિપુલભાઈ પટેલ,દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં એપ્રિલ-૨૦૨૩થી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે તમામ કાર્યરત દૂધ ભરનાર સભાસદને રૂપિયા ૨ લાખનો અકસ્માતથી થતાં મૃત્યુ સામે વીમો આપવામાં આવશે જેનું ૧૦૦% પ્રીમિયમ અમૂલ ડેરી, આણંદ દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત સભાસદની કાયમી અપંગતાને પણ આવરી લેવામાં આવી છે. જે સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો ૨ લાખ રૂપિયા સાથે તેમના બે બાળકો સુધી પ્રતિ બાળક ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે. આમ આ યોજના અંતર્ગત દૂધ ભરનાર સભાસદના પરિવારને અંદાજિત રૂપિયા ૨ લાખ ૨૦ હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે. જો સભાસદને કાયમી અપંગતા સર્જાય તો રૂપિયા ર લાખની આર્થિક સહાય કરવામાં આવશે.

આ યોજના થકી હાલમાં અંદાજિત ૪ લાખ ૨૬ હજારથી વધુ કાર્યરત દૂધ ભરતા સભાસદોને આવરી લેવામાં આવશે.