આલેખન-પ્રાંજુલ મિશ્રા
આણંદ,
શિક્ષણ માનવજીવનને શ્રેષ્ઠ આકાર આપી સમાજને પોષણ આપવાનુ કાર્ય કરે છે. એટલું જ નહી પરંતુ માનવીના જીવન સ્તરને સુધારી તેને ઉંચાઈ સુધી લઈ જવામાં શિક્ષણ એ અગત્યની કુંજી પૂરવાર થાય છે. જેને ધ્યાને લઈ રાજ્યનો કોઇપણ વિદ્યાર્થી પોતાના પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વસતા પરિવારના બાળકો - વિદ્યાર્થીઓ આંગણવાડીથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી છે.
શિક્ષણ ક્ષેત્રેની સરકારની કટીબધ્ધતાના પરિણામે આજે આણંદ શહેરમાં રિક્ષા ચલાવીને પરિવારનંસ ગુજરાન ચલાવતાં અશોકભાઈ ચૌહાણનો પુત્ર જીત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે તબીબી શાખાના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહયો છે. સરકારની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની “પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ- ફ્રી-શીપ કાર્ડ” યોજનાના કારણે દિકરાના ડોકટર બનવાના સપનાને સાકાર થતાં જોઈ રહેલા પિતાએ ગદ્દગદિત સ્વરે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ખરેખર ભગવાને મારા દીકરા માટે સરકારની યોજનાના રૂપમાં મોકલેલી સહાયથી મારો દીકરો પણ હવે ડોક્ટર બની શકશે.
આણંદ ખાતે પતિ – પત્નિ અને બે દિકરા મળી કુલ ચાર વ્યક્તિનું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા અશોકભાઈ ચૌહાણની આવક મર્યાદિત હોવાથી પરિવારની મૂળભૂત જરૂરિયાતો જ સંતોષવી મુશ્કેલ હતી, તેવા સમયમાં દિકરાના ઉજવળ ભવિષ્ય નિર્માણ માટેના ઉચ્ચ શિક્ષણ માટેના ખર્ચને તો કયાંથી પહોંચી શકાય ? તેવા સમયે તેમને સરકારની “પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ- ફ્રી-શીપ કાર્ડ” યોજનાનો લાભ મળ્યો.
આવી વિકટ પરિસ્થિતિ અને તેમાં તેમને મળેલ સરકારના સહારાની વાત કહેતા અશોકભાઈ જણાવે છે કે, મારા નાના દીકરાએ બારમાં ધોરણ સુધીનો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલયમાં કર્યો હતો અને ત્યાં મારા દીકરાના બારમા ધોરણ સુધીના અભ્યાસખર્ચ માટે અમારે શાળા ને લગતો કોઇપણ ખર્ચ નહોતો કરવો પડ્યો તે માટે પણ અમે સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બારમા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ લઈને જ્યારે મારા દીકરાએ બોર્ડની પરિક્ષા ૮૨ ટકા સાથે પાસ કરી ત્યારે મારા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અમે સૌ ખૂબ જ ખુશ હતા કે હવે મારા દીકરાને સારી કોલેજમાં પ્રવેશ મળી શકશે. મારા દીકરાએ એક વર્ષની સખત મહેનત કરીને એમ.બી.બી.એસ. માટે લેવાતી પ્રવેશ પરિક્ષા ‘નીટ’ ૪૧૯ ગુણાંક લાવીને પાસ કરી.
અમને હતું કે મારા દીકરાને સરકારી કોલેજમાં પ્રવેશ મળી જાય તો અભ્યાસની ફીસ માટે અમને રાહત રહેશે. પરંતુ એવુ ના થયુ અને મારા દીકરાને એક સરકાર માન્ય ખાનગી કોલેજમાં સરકારી સીટ પર પ્રવેશ મળી શકે છે તેમ જાણવા મળ્યુ. કોલેજ વિશે તપાસ કરતાં જાણવા મળ્યું કે તે કોલેજની એક વર્ષની ફીસ રૂપિયા ૭.૬૫ લાખ જેટલી છે. કોલેજની ટ્યૂશન ફીસનો આંકડો મારી વાર્ષિક આવક કરતા દસ ગણો વધારે હતો. એક બાજુ કોરોના મહામારીની કપરી સ્થિતિને પાર કરી ઘરના સામાન્ય ખર્ચાઓને માંડ પહોંચી શકાતુ હતું, તેવા સમયે દીકરાની એમ.બી.બી.એસ ની ઇચ્છા પૂરી કરવાં તેની કોલેજના અભ્યાસ ખર્ચને પહોંચી વળવું મારા માટે અશક્ય જ હતુ.
અશોકભાઇ પોતાની આ વાતને આગળ વધારતા તેમની આંખોમાં આવેલા અશ્રુબિંદુને લૂછતા કહે છે કે, કહેવાય છે ને કે જ્યારે ઇશ્વર તમારી સાથે હોય ત્યારે કપરીમાં કપરી પરિસ્થિતિમાં પણ માર્ગ મળી જાય છે. બસ એવુ જ અમારી સાથે થયું. ઇશ્વરે જાણે કે પોતે મારા મોટા દીકરાને સૂઝવ્યું અને એણે સરકારની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે “પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ- ફ્રીશીપ કાર્ડ” યોજનાની જાહેરાત જોઇ. આ યોજનાની ઓનલાઇન માહિતી મેળતાં અમને જાણવા મળ્યું કે, સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ યોજના હેઠળ આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારના દિકરાઓ કે જે ભણવામાં હોંશિયાર છે તેમને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજની ફીસના ૧૦૦ ટકા શિષ્યવૃત્તિની સહાય આપે છે.
અશોકભાઇ તુરત જ આણંદ જિલ્લાની અનુસૂચિત જાતિ-સામાજિક કલ્યાણની કચેરીએ જઈને યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી તેનોલાભ મેળવવા માટે જરૂરી તમામ દસ્તાવેજો અરજીફોર્મ સાથે જમા કરાવ્યા. કચેરીના અધિકારી અને કર્મચારીઓએ તેમને પૂરતું માર્ગદર્શન આપ્યુ અને તેમના દિકરાની કોલેજ-પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ ના થાય તે રીતે માત્ર ત્રણ થી પાંચ દિવસની અંદર જ તેમને ફ્રીશીપ કાર્ડ પણ મળી ગયું જે લઈને તેઓ તેમના દીકરાના પ્રવેશ માટે નિયત કરેલ કોલેજ ગયા અને તુરત જ તેમના દીકરાને ત્યાં એમ.બી.બી.એસ. ના પ્રથમ વર્ષમાં પ્રવેશ પણ મળી ગયો. હાલ તેમનો દિકરો તબીબી શાખાના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહયો છે.
દિકરાને ડૉક્ટર બનાવવાના પરિવારના સપનાને સાકાર થતુ જોઈને અશોકભાઇ સગૌરવ કહે છે કે, આજે એક રિક્ષા ડ્રાઇવર હોવા છતા પણ હું મારા દીકરાને ડૉક્ટર બનતાં જોઇ રહ્યો છુ તો તે માત્રને માત્ર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કારણે શક્ય બન્યુ છે. હું સરકારનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છુ અને લોકોને કહેવા માંગુ છુ કે સરકાર દરેક વર્ગના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા સતત ચિંતિત રહીને જે રીતે યોજનાઓ અમલી બનાવી રહી છે તે ખરેખર મારા પરિવારની જેમ અનેકો માટે ઇશ્વરીય વરદાન પૂરવાર થઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ૫૮૬ વિદ્યાર્થીઓએ ૨૦૨૨-૨૩ ના વર્ષ દરમિયાન રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ - ફ્રીશીપ કાર્ડ યોજના અંતર્ગત ફીસ સહાય મેળવીને ઉચ્ચ અભ્યાસના પોતાના સપનાને સાકાર કરવા અને જીવનને સોનેરી ભવિષ્ય તરફ લઈ જવા પ્રયાણ કર્યુ છે.
*****