AnandToday
AnandToday
Saturday, 25 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

સુરતમાં કિન્નર સમાજનો અનોખો સેવા યજ્ઞ, પશુ પક્ષીઓ માટે શરૂ કર્યું માટીના કુંડાનું વિતરણ

અબોલ પશુ-પક્ષીઓ માટે 8000 થી વધુ કુંડા વિતરણ કરવાનું આયોજન

ત્રીજી માર્ચ 2023 થી શરૂ કરાયેલ કિન્નર સમુદાયની આ અનોખી પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ

સુરત
ઉનાળાની અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં માણસો ઘરમાં રહી પંખો અને એસી ચલાવી ગરમીથી રાહત મેળવી લે છે. પરંતુ મૂંગા અને અબોલ પશુ- પક્ષીઓનું શું? આ અબોલ મૂંગા જીવો પ્રત્યે આપણને ક્યારેય વિચાર આવ્યો છે. આ શબ્દો છે.નવોદય ટ્રસ્ટ સુરતના સંસ્થાપક નુરી કુંવરના.

સુરતમાં કિન્નર સમાજની માનવતા ફરી એક વખત મહેકી ઉઠી છે.આ સમાજ નાં એક સમૂહે અબોલ પશુ પક્ષીઓ માટે એક અનોખી સેવા શરૂ કરી છે.કિન્નરોનો સમૂહ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને લોકોના ઘરે ઘરે જઈ તેઓ પૈસા નથી માંગી રહ્યા પરંતુ લોકોને પક્ષીઓને પાણી પીવડાવવા માટે વિશેષ કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે.અને માટી થી બનેલા કુંડાનું વિતરણ કરી કિન્નરો લોકોમા અબોલ પશુઓ માટે સેવા ભાવ જગાડવાનું કાર્ય કરી રહ્યા છે.
સાથે સાથે લોકોને એવી પણ વિનંતી કરે છે કે તેઓ આ માટીના કુંડામાં પાણી ભરી મકાનની અગાસી,ધાબા કે ગેલેરીમાં અથવા તો ઘરની બહાર રાખે જેથી કરીને અબોલ પશુ પક્ષી તેમાંથી પાણી પી શકે, માટીના કુંડાઓનું વિતરણ કરતા કિન્નરોનું માનવું છે કે અત્યાર સુધી તેઓએ લોકો પાસેથી પૈસા અને ભેટ સોગાદો લેતા આવ્યા છે. પરંતુ હવે સમાજને કંઈક આપી શકીએ તેવી ભાવના સાથે તેઓએ આ અનોખી પહેલ શરૂ કરી છે અને લોકોને પણ આ પ્રકારની સેવા કરવા માટેનો સંદેશો આપ્યો છે.

વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલું નવોદય ટ્રસ્ટ, સુરતના સંસ્થાપક નૂરી કુંવર, સહ સંસ્થાપક અમ્રિતા કુંવર અને રિન્કુ કુંવર દ્વારા ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જીવદયા, અબોલા પશુ-પંખીઓ માટે પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ઘરોમાં ઉનાળામાં પીવાનું પાણી ઠંડુ રહે તે માટે માટીના માટલાનો ઉપયોગ કરીએ છીએ, તેથી અમે પણ વિચાર્યું કે ઇકોફ્રેન્ડલી માટીના કુંડા વિતરણ કરીએ. કારણ કે પ્લાસ્ટિકના કૂંડામાં પાણી ગરમ જાય છે. જેથી અબોલ મૂંગા જીવ ગરમ પાણી પી શકતા નથી જ્યારે માટીના કુંડામાં પાણી ઠંડુ રહે છે એટલે અમોએ ઉનાળામાં ઠંડક આપતા માટીના કુંડા ઘરે ઘરે વિતરણ કરવાની પહેલ શરૂ કરી છે વધુમાં તેમણે કહ્યું હતું કે ચારથી પાંચ તબક્કામાં 8૦૦૦ કુંડા વિતરણ કરવાનું આયોજન છે. અમારો ઉદ્દેશ ફક્ત કુંડા વિતરણનો નથી, પરંતુ લોકો કૂંડાની સાફ-સફાઇ કરે, રોજે રોજ કૂંડાનું પાણી બદલે, તેની સમજ પણ આપીએ છીએ. જેથી પાણીમાં મચ્છર નહીં થાય અને પશુ-પંખીને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અબોલ મૂંગા પશુ પક્ષીઓને પીવાનું પાણી અને ખોરાક મળી રહે તે જોવાની આપણી નૈતિક ફરજ છે

પોતાના શ્રમ અને સમયથી પણ સેવા કરી શકાય છે.- નૂરી કુંવર

 દરેક માણસે પશુ-પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, અબોલ મૂંગા પશુ પક્ષીઓને પીવાનું પાણી અને ખોરાક મળી રહે તે જોવાની આપણી નૈતિક ફરજ છે, જે રીતે ઋતુ પ્રમાણે માણસો પોતાની જરૂરિયાતો સંતોષે છે . તેવી જ રીતે  ઋતુ અનુસાર આપણે પશુ પક્ષીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરી નથી કે પૈસાથી જ સેવા કરવાની, પોતાના શ્રમ અને સમયથી પણ સેવા કરી શકાય છે. તેઓ સંદેશો નૂરી કુંવરે સંદેશ માનવ જગતને આપે છે.

કિન્નર સમાજની માનવતા મંહેકી,અબોલ પશુ પક્ષીઓની વ્હારે

શુભ પ્રસંગો અને ખુશીઓના અવસર પર લોકોના ઘરે જઈ તાળીઓ પાળી શુભકામનાઓ આપવાની અને તેના થકી જ જીવન નિર્વાહ કરતા કિન્નર સમાજ સામાજિક કાર્યો પ્રત્યે પણ જાગૃત બન્યો છે. અગાઉ બીમાર ધૈર્યરાજ માટે દિલ ખોલીને દાન કર્યું હતું અને 65,000 થી વધુ રૂપિયા એકત્રિત કર્યા હતા. અને હવે અબોલ પશુ પક્ષીઓની સેવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. વિવિધ સમાજના લોકો પણ કિન્નર સમુદાયના આ સેવા યજ્ઞને બિરદાવી રહ્યા છે.