AnandToday
AnandToday
Thursday, 23 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં યોજાનાર ગુજકેટ પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધ

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહી

જિલ્લામાં લેવાનાર પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૧૦૦ મીટરની

ત્રિજયામાં પરીક્ષાના દિવસ દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ

આણંદ , 

આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ આણંદ જિલ્લાના ૨૧ કેન્દ્રો ઉપર યોજાનાર ગુજકેટની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન સવારના ૦૮.૦૦ થી સાંજના ૧૮.૦૦ કલાક સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ગુજકેટની પરીક્ષાના કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય, પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓ અને લોકોના ટોળાઓ એકઠા ન થાય, કોઇ અનિચ્છનિય બનાવ ન બને, પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, પરીક્ષાનું મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન થાય તેમજ પરીક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ સવારના ૦૮.૦૦ થી સાંજના ૧૮.૦૦ કલાક સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. 

જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. વધુમાં પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં સેલ્યુલર, મોબાઇલ ફોન, પેજર, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો સાથે લઇ પ્રવેશ ન કરવા જણાવાયું છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓને અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓને તેમની કાયદેસરની ફરજો બજાવવા દરમિયાન તથા શિક્ષણ બોર્ડ તેમજ પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓને તેમની વિધિસરની ફરજો દરમિયાન સેલ્યુલર ફોન, કોડલેસફોન, હેન્ડસેટ, વોકીટોકી તથા વાયરલેસ વગેરેના ઉપયોગ પર મુક્તિ આપવામાં આવી છે. 

આ જાહેરનામું જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.

*******