AnandToday
AnandToday
Sunday, 19 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે

આણંદ ખાતેનારી સંમેલનયોજાયુ

મહિલાઓ પારિવારીક અને સામાજિક જવાબદારીઓની સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે -જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર

આણંદ, 

 ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવાના ઉદ્દેશ્યથી આણંદ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમારે મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની રૂપરેખા વર્ણવીને દીકરીઓના જન્મથી જ તેમના જીવનને સરળ અને સુશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત સરકારની વિવિધ મહિલાકલ્યાણની યોજનાઓના પરિણામે આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવીને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે તેમ જણાવ્યું હતું, તેમણે એક મહિલા પોતાની પારિવારીક અને સામાજિક જવાબદારીઓની સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે તેમ જણાવી દીકરીઓના વિકાસમાં તેની માતાના યોગદાનનું મહત્વ સમજાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં મહિલાઓના હક્કોની વાત કરતા જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલે મહિલા હક્કોના રક્ષણની જરૂરીયાત જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, સમાજમાં મહિલાઓના અધિકારો માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓ થકી આજે મહિલાઓ પુરૂષ સમોવડી બની શકી છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પિન્કીબેન ઠાકોરે મહિલાઓએ સમાજના નિર્માણ અને વિકાસમાં આપેલા યોગદાનને વર્ણવતા યોગ્ય શિક્ષણ પામેલી દીકરી પોતે આત્મનિર્ભર બનીને પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.   

આ પ્રસંગે આરતીબેન ઠક્કર દ્વારા આઇ.સી.ડી.એસ. યોજના અંતર્ગત આવતી સ્ત્રી પોષણ, સગર્ભાવસ્થા, બાળ મૃત્યુદર અને વિવિધ યોજનાઓ વિશેની, તાલુકા હેલ્થ ઓફિસરના પ્રતિનિધી દ્વારા મહિલાઓને થતા માનસિક તાણ તેમજ ડિપ્રેશન જેવી સમસ્યાઓ તથા મહિલા અને આરોગ્ય માટેની અને કોમલબેન જયસ્વાલ દ્વારા નારી અદાલતમાં આવતા વિવિધ કેસો તેમજ મહિલાઓ સાથે વધતા જતા સાયબર ક્રાઇમના કેસો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ મહિલા હેલ્પલાઇન “૧૮૧ અભયમ” ના પ્રતિનિધી દ્વારા મહિલાઓ ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરવાથી કોઇપણ સમયે ત્વરિત મદદ મેળવી શકે છે તેમ જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ આરતીબેન, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન હેમાબેન પટેલ, જિલ્લા ઉત્પાદન સિંચાઈ- સહકાર સમિતિના ચેરમેન લીલાબેન પઢીયાર, બાળ વિકાસ યોજના અધિકારી જાગૃતિબેન પરમાર સહિત મોટી સંખ્યામાં જિલ્લાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

*****