AnandToday
AnandToday
Saturday, 18 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે રૂ. કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક કન્યા શાળાના નવીન મકાનનું ખાતમુહુર્ત કરાયું

કન્યાશિક્ષણ થકીજ વ્યક્તિ અને સમાજ બન્નેનો વિકાસ શક્ય છે -નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

આણંદ,

બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે પ્રાથમિક કન્યા શાળાના નવીન મકાન બનાવવા માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના નવીન મકાનો તથા ખૂટતા ઓરડા બનાવવાની  કામગીરી હાલ ચાલુ છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભૂલકાઓને શ્રેષ્ઠ સુવિધા સહિતની શાળાઓ આપી છોકરાઓ અને છોકરીઓ પોતાના ગામ ખાતે જ ધોરણ આઠ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે મધ્યાહન ભોજન યોજના સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

રમણભાઈ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે કન્યાશિક્ષણ થકીજ વ્યક્તિ અને સમાજ બન્નેનો વિકાસ શક્ય છે. પ્રાથમિક કન્યાશાળાનું નવીન સુવિધા-યુક્ત મકાન બનવાથી ગામ અને તેના આજુબાજુના વિસ્તારમાંથી આવતી ૩૪૫ જેટલી કન્યાઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહેશે.

શ્રી સોલંકીએ શિક્ષકોને પણ સૂચન કર્યુ હતુ કે તમે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ઓળખીને તેને બહાર લાવવાનું પ્રયાસ કરજો જેથી મોટી થઈને આ કન્યાઓ આપણા  જિલ્લાનું રાજ્યનું  આને દેશનું નામ રોશન કરી શકે. રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થનાર આ પ્રાથમિક કન્યાશાળા ખાતે ૧૦ ઓરડા ઉપરાંત ગેટ સહિતની કમ્પાઉન્ડ વોલ સાથે મધ્યાહન ભોજન યોજનાનો શેડ અને કિચનની વ્યવસ્થાની સાથે પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી આ પ્રાથમિક કન્યાશાળા ખાતે ભણવા આવતી કન્યાઓને તમામ જરૂરી સુવિધાઓ સરળતાપૂર્વક મળવાથી તેઓ સારી રીતે ભણી અને જ્ઞાન મેળવી શકે અને શિક્ષકો પણ વધુ શ્રેષ્ઠ રીતે ભણાવી શકશે.

શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે શાળાની ધોરણ આઠમાં ભણતી બે દીકરીઓ પાયલ મહિડા કે જેમણે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો અને રાજ્ય કક્ષાએ બાળ કવિમાં પહોંચનાર વિદ્યાર્થીની જીનલ મહિડાનું પુષ્પગુચ્છ આપીને બહુમાન કર્યું હતું.

શ્રી રમણભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧૮૯ શાળાઓમાં ૭૮૯ ઓરડાઓ મંજૂર કરવામાં આવેલ છે જે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે આ પૈકી બોરસદ તાલુકામાં ૪૩ શાળાઓમાં ૧૭૭ ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી હાલમાં ૯ શાળાઓના ૩૦ ઓરડાઓ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધરમદેવસિંહ ડાભીએ અલારસામાં નવીન પ્રાથમિક કન્યાશાળાના ખાતમુહૂર્ત થતાં આનંદની લાગણી વ્યક્ત કરતા કન્યાશાળા બનવાથી ગામની તેમજ આસપાસના વિસ્તારની કન્યાઓને તમામ સવલતો સાથેનું શિક્ષણ સરળ અને શ્રેષ્ઠ રીતે ઉપલબ્ધ થઈ શકશે તેમ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સમયગાળા દરમિયાન આરંભાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના સોપાનોથી આજે ગુજરાતની કન્યાઓના શિક્ષણમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે તેમ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અને મહિલાને બાળ વિકાસ કમિટીના ચેરમેન શ્રી માનસીબેન મહિડા, ગામના સરપંચ શ્રી નવીનભાઈ જાદવ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આર.આર સોલંકી, જિલ્લા પ્રોજેક્ટ ઈજનેરશ્રી નિરંજનભાઇ પટેલ, તાલુકા બી.આર.સી નિકુંજ સોલંકી, ગામના દાતાશ્રીઓ, ગામ આગેવાનો, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

*******