AnandToday
AnandToday
Thursday, 16 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

કેસુડા ટ્રેઇલમાં થાય છે વન, પુષ્પ અને રંગોની આલ્હાદક સોબત

કેસુડા ટ્રેઇલમાં જવાથી કુદરત અને રંગોનું સાંનિધ્ય મળતા તેની માનસપટલ ઉપર થાય છે સકારાત્મક અસર

કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે છે

આલેખનદર્શન ત્રિવેદી 

વડોદરા
વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે. કેસુડાના ફૂલથી લથબથ થયેલી વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે છે. 
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેઇલ ચાલે છે. તેમાં એક રૂટ છે ઝીરો પોઇન્ટ. માત્ર ચાર જ કિલો મિટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ખલવાણીના ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેઇલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવા સાથે કુદરતના સાંનિધ્યની લ્હાવો મળે છે. 
આ ટ્રેઇલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવ નંબર ચાર પાસેથી પસાર થાય છે. એટલે એના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ઉગ્યા છે. તેના ઉપર આ ફાગળિયા ફૂલો બેસતાની સાથે જ અદ્દભૂત પરિદ્રષ્ય ઉભું થાય છે. આમ જોઇએ તો આ ટ્રેઇલમાં સાડા ત્રણ હજારથી પણ વધુ ખાખરાના વૃક્ષો છે. એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવું મનમોહક લાગે ? એની કલ્પના કરવા માત્રથી જો રોમાંચિત થઇ જાય તો વિચારો કે આ ટ્રેઇલમાં જોડાવ તો કેવી મજા પડતી હશે. 
વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના સાઇકિઆસ્ટ્રીસ્ટ ડો. મહેશ સુથાર કહે છે, કુદરતનું સાંનિધ્ય માનવીને સહજ આનંદ આપે છે. એમાં જો પુષ્પ ધરાવતા વનમાં પરિભ્રમણ કરવામાં આવે તો તેના રંગ અને વાતાવરણ માનસિક આરામ પ્રદાન કરે છે. વ્યસ્ત દૈનિક ધરાવતા લોકોએ આવા પરિભ્રમણ કરતા રહેવા જોઇએ. જેથી તેના કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. 

આટલી પુષ્કળ માત્રામાં કેસુડો જોતાની સાથે મનમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. મનોવિજ્ઞાન કહે છે, કેસરી રંગથી આત્મ વિશ્વાસ વધે છે. આ ઉપરાંત વનરાઇનો લીલો રંગ માનસિક રીતે હિલિંગ કરે છે અને આનંદમાં વૃદ્ધિ કરે છે. આ બન્ને રંગની સોબત કેસુડા ટ્રેઇલમાં થાય છે. 

ખલવાણી રૂટની કેસુડા ટ્રેઇલમાં વન પરિભ્રમણ કરતાની સાથે કુદરતના પરમ સાંનિધ્ય અને નિરવ શાંતિનો અનુભવ થાય છે. વિંધ્યાચલની પર્વત માળાની વનરાઇએ જાણે કેસરી ચુંદડી ઓઢી એવો અહેસાસ થાય છે. વચ્ચે ત્રણેક વન તલાવડી પણ આવે છે. તે વનવિભાગના પ્રકૃતિ સંરક્ષણની સાક્ષી પૂરે છે. આ ચારેક કિલોમિટરના ભ્રમણમાં તમને પક્ષીઓના ગીતો સંભળાશે, તૃણભક્ષી પ્રાણીની ચહલપહલ સંભળાશે. તેના પગેરૂ જોવા મળશે. 
યાદ રાખવું જોઇએ કે કેસુડા ટ્રેઇલમાં જતી વખતે ટ્રેકિંગ જોડા પહેરવા જોઇએ. પાણી સિવાયનો કોઇ સામાન સાથે લઇ ના જવો જોઇએ. આ ટ્રેઇલ કુદરતીની નજીક જવાનો અવસર છે. એટલે કોલાહલ તો બિલ્કુલ ના કરવો જોઇએ.