આણંદ,
રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને આજે સર્કિટ હાઉસ આણંદ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની આણંદ જિલ્લામાં ચાલતી યોજનાઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, નિયમિત કાંસની સફાઈ કરો જેથી ચોમાસામાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તથા નુકસાન ન થાય. આ ઉપરાંત જિલ્લામાં પીવાના પાણીની શું સ્થિતિ છે તેની જાણકારી મેળવી પીવાનું શુદ્ધ પાણી દરેકને મળવું જોઈએ તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, પાણી ન મળવાને કારણે ખેતીના પાકને નુકસાન ન થવું જોઈએ. મંત્રીશ્રીએ ભાલકાંઠા વિસ્તારમાં પાણી ઉપલબ્ધ છે જે દરેક ઘર સુધી પહોંચવું જોઈએ તેમ જણાવી ભાલ પ્રદેશ જૂથ યોજના વહેલી તકે શરૂ કરવા તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી આણંદ જિલ્લાને મળતો પાણી પુરવઠો, કાર્યરત હેન્ડ પંપ, ઘર જોડાણની વિગતો, સ્વતંત્ર પાણી પુરવઠા યોજના જૂથ પાણી પુરવઠા યોજના સહિતની વિગતો મેળવી હજી સુધી કોઈ કામ બાકી હોય તો ઝડપથી પૂરું કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેકટર શ્રી ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિત જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ઝોન-૧ અને ઝોન-૨ અધિક્ષક ઇજનેરશ્રી યાંત્રિક અને સિવિલ તથા પ્રાંત અધિકારીશ્રી ખંભાત ઉપરાંત જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****