AnandToday
AnandToday
Tuesday, 14 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ગ્રાહકોને તેના હકથી જાગૃત કરવા સરકાર કટિબદ્ધ- પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા 

આણંદ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઇ

વેપારમાં સફળતા માટે ગ્રાહકો એક મહત્વની કડી છે.-યોગેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી આણંદ

આણંદ, 
પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને આણંદ ટાઉનહોલ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રાહકોને તેના હકથી જાગૃત કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૧૯૮૬માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો હતો જેની જોગવાઈઓને વધુ મજબૂત કરવા વર્ષ ૨૦૧૯માં ગ્રાહકોના હિતોમાં વધારો કરતો નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના થકી ખોટી-ગેરમાર્ગે દોરનાર જાહેરાત કરનારને દંડ અને કેદની જોગવાઈ, સહિતની અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવી છે જેના થકી ગ્રાહકોને તેમના હકો અને ન્યાય મળી રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેમજ સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા જાગૃતતા ફેલાવી ગ્રાહકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ રાજ્યકક્ષાએ એપ્રિલ-૨૦૨૨ થી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન મળેલ ઓફલાઈન ફરિયાદો પૈકી ૮૦ ટકાથી વધુ ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્ય ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં મળેલ ફરિયાદોમાંથી ૯૬ ટકા ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ થયું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વેપારીઓ ગ્રાહકનું મહત્વ સમજે છે તે જ સફળ થાય છે. વેપારમાં સફળતા માટે ગ્રાહકો એક મહત્વની કડી છે. તેમણે સરકાર ગ્રાહકોને તેમના હક પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરી રહી હોવાનું વધુ ઉમેર્યું હતું.

આ પ્રસંગે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહકોની બાબત શ્રી એન. એન. માધુ એ ગ્રાહક જાગૃતતા, આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી સી.એમ. ભટ્ટ એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને આણંદ કન્ઝ્યુમર કમિશનના મેમ્બર શ્રી તરુણ સાંકલા એ સ્વચ્છ ઊર્જા મારફતે ઉપભોક્તાઓને સશક્ત બનાવવા અંગે માહિતી આપી હતી.
આ તકે મંત્રીશ્રીએ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, તોલમાપ વિભાગ તેમજ ઈ-શ્રમ કાર્ડના સ્ટોલ અને ફૂડ સેફટી વાનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા વળતર અપાવેલ ગ્રાહકોને ચેક વિતરણ તેમજ ગ્રાહક જાગૃતતાની પુસ્તિકાનું ઈ-વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આણંદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ કપાસિયાએ સ્વાગત પ્રવચન કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવી, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*****