AnandToday
AnandToday
Sunday, 12 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ચકલાસી ગામની મહિલાએ માનવ કલ્યાણ યોજના દ્વારા મેળવી બમણી આવક

ફક્ત ધોરણ ૭ સુધીનો અભ્યાસ ધરાવતા પાર્વતીબેન આજે પોતાના સમાજમાં એક સ્માર્ટ બિઝનેસ વુમન તરીકે ઓળખાવા લાગ્યા

માનવકલ્યાણ યોજના થકી ખૂબ ટૂંકા સમયમાં દૂધનું વેચાણ બમણું થયું છે :- રોહિત પાર્વતીબેન

દરેક સમાજનો સદંતર આર્થિક વિકાસ, રાજ્ય સરકારનો નિરંતર પ્રયાસ

નડિયાદ 
પાર્વતીબેન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામના રોહિતવાસમાં રહે છે. તેઓ જણાવે છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓ ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમો થકી નાનામાં નાના માણસ સુધી પહોંચે છે.પાર્વતી બહેન માનવ કલ્યાણ યોજનાના લાભાર્થી છે તેઓ આ યોજના મળવાથી તેમના જીવનની કાયાપલટની વાત કરતા જણાવે છે કે પહેલા જયારે તેઓ દૂધનું વેચાણ કરતા હતા ત્યારે તેમની આવક ફક્ત રૂ.૫૦૦૦ હતી. સરકારની માનવ કલ્યાણ  યોજનાનો લાભ મળ્યા બાદ તેઓની માસિક આવક રૂ. ૮૦૦૦ થી  ૧૦,૦૦૦ જેટલી થઇ છે.દૂધના વેચાણમાં પડતી હાલાકીની વાત કરતા પાર્વતી બેન જણાવે છે કે  આ સહાય મળ્યા પહેલા તેઓ ૨૦ થી ૨૨ લીટર દૂધ લાવી વેચતા હતા. પણ માનવ કલ્યાણ યોજના હેઠળ સાધન સામગ્રીની સહાય મળ્યા બાદ ૩૫ થી ૪૦ લીટર દૂધ લાવી શકાય છે. એટલે કે બમણું દૂધ વેચી શકાય છે અને પહેલા કરતા વધુ આવક પણ મળી રહી છે.

આ યોજનાની જાણકારી અંગે જણાવતા પાર્વતી બેન કહે છે કે માનવ કલ્યાણ યોજનાની જાણ નગરપાલિકા દ્વારા તેમને થઇ હતી. યોજનાનો લાભ લેવા તેમણે ફોર્મ ભર્યું અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ યોગ્ય માર્ગદર્શન થકી તેઓને ખુબ ટૂંકા સમયમાં તેઓને મળવા પાત્ર સહાય તેમને મળી ગઈ. ઉલ્લેખનીય છે કે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી.

પાર્વતીબેન છેલ્લા ૩ વર્ષથી દૂધ ઉત્પાદનના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ગત વર્ષ ૨૦૨૨ માં દૂધ દહીં વેચવા માટેની સાધન સામગ્રી તેઓને નડિયાદ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં મળી હતી.

માનવ કલ્યાણ યોજના હેઠળ તેમને  દૂધ માટેના ૨ કેન, ૧ તપેલું, ૧ ઇલેક્ટ્રિક  વલોણી, અને ઇલેક્ટ્રિક કાંટો સહાય રૂપે મળ્યા હતા. પાર્વતી બેન ગુજરાત સરકારનો ખુબ આભાર પ્રકટ કરતા જણાવે છે કે આ યોજનાથી કોઈ ગામના લોકો વંચિત ન રહે તે માટે ગામના લોકોમાં જાગૃતતા લાવવાનું કામ પણ તેઓ કરશે.

ખૂબ જ ટૂંકા સમયમાં પાર્વતીબેને પોતાના ધંધાની આવક બમણી કરી છે. ફક્ત ધોરણ ૭ સુધીનો અભ્યાસ ધરાવતા પાર્વતીબેન આજે પોતાના સમાજમાં એક સ્માર્ટ બિઝનેસવુમન તરીકે ઓળખાવા લાગ્યા છે. પિતાનું અવસાન થતાં પોતાના માતા અને ભાઈ સાથે રહેતા પાર્વતીબેન દૂધનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને તેમના ધંધા-રોજગાર અનુરૂપ સાધન સહાય આપી સરળતાથી ધંધો ચાલુ કરી વધુ સારી રીતે આવક ઊભી કરાવવાનો છે. 

આ યોજના હેઠળ આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગોને સ્વરોજગાર અને આવક ઊભી કરવા માટે જે તે કામ માટે ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા અને ગરીબ લોકો અને કારીગરો તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે.આ યોજના શાકભાજી વેચનાર, દરજી કામ કરનાર, કડિયા કામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરતા નબળા સમાજના લોકો માટે આશિર્વાદ બની છે.પાર્વતીબેન કહે છે કે આજના સમયમાં એક મહિલા તરીકે ઘરનું ગુજરાન ચલાવવું ખુબ અઘરું છે. પરંતુ માનવ કલ્યાણ યોજના થકી સાધન સહાય મળ્યા મારા જેવી અનેક મહિલાઓએ ઘરમાં આર્થિક મદદ કરવાનું મનોબળ પ્રાપ્ત કરી પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.

વધુમાં પાર્વતીબેને ભાવુક થતા જણાવ્યું કે તેમની આર્થિક પરિસ્થિત નબળી હોવાથી વર્ષ ૨૦૧૮માં પિતાના અવસાન બાદ કઈ રીતે ઘર ચાલશે એ ચિંતા તેઓને સતત રહેતી હતી. એક મહિલા તરીકે ગામમાં કેવી રીતે રોજગાર મેળવવો તે એક સમસ્યા પણ હતી. પરંતુ રાજ્ય સરકારની આ યોજના દ્વારા મળેલ સહાયથી હાલ આર્થિક રીતે સ્થિર અને સામાજીક રીતે સશક્ત થવાની તક આપવા બદલ તેઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.