AnandToday
AnandToday
Sunday, 12 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

તારાપુર તાલુકાના મહિયારી ખાતેપ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધનવિષયક સેમિનાર યોજાયો

આણંદ, 

 જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય અને બાગાયતી પાકોમાં ગાય આધારિત ખેતીથી વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે માટેના માર્ગદર્શન અર્થે જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે પોચાભાઈ ફાઉન્ડેશન, મહિયારીની શ્રી પ્રગતિ ખેત ઉત્પાદક સહકારી મંડળી અને ગોલાણાની શ્રી ઉન્નતી ખેત ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા તારાપુર તાલુકાના મહિયારી ખાતે “પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમનાં મુખ્ય અધ્યક્ષ સોજિત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દ્બોધન કરી સ્ત્રીઓને આત્મશક્તિ અને વિશ્વાસથી કોઈપણ કાર્ય કરી શકાય છે તેમ જણાવી પ્રોત્સાહન આપ્યુ હતું.

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઈ એ આઇ-ખેડૂત પોર્ટલ થકી બાગાયત ખાતાની જુદી જુદી યોજનાઓના લાભ વિશે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતનભાઈ પટેલે પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ વિશે જાણકારી પૂરી પાડી ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે અને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવવાની પ્રક્રિયા વિશે નિદર્શન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના શ્રી કુરેશીએ ઉપસ્થિત મહિલાઓને પીએમ એફએમઇ (પ્રધાનમંત્રી ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝસ) યોજના વિશે જણાવી નાના-લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પોતાની તરફથી તૈયારી દર્શાવી હતી. 

આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા તથા ગાય આધારિત ખેતી કરતા જિલ્લા કન્વીનિયરશ્રી અમિત પટેલ દ્વારા જીવામૃતનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું જ્યારે અમૂલ ડેરીના કર્મચારી દ્વારા નવીન ખાતરનું તથા જુદા જુદા લિક્વિડ ફર્ટિલાઇઝરનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિની ૧૫૦૦થી વધુ મહિલાઓને તેઓની ઉન્નતિ થાય તે માટે સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના અંતે મદદનીશ બાગાયત નિયામકશ્રી નિલેશ પટેલ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, એપીએમસી ચેરેમેનશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

**************