આણંદ,
રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદો તેમજ છેવાડાના નાગરિકોને સુખ સુવિધા મળી રહે તે માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે લોકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત નાગરિકોને રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવતી હતી, જેની મર્યાદા વધારીને રૂ. ૧૦ લાખ કરી દેવામાં આવી છે.
આ વર્ષે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં '૧૦૦ દિવસ' કાર્યક્રમ હેઠળ તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં ૫૦ લાખ લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે પૈકી આણંદ જિલ્લાને ૧,૬૭,૫૨૩ કાર્ડ માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ જિલ્લા આરોગ્યતંત્રએ ફક્ત બે મહિનામાં એટલે કે તા.૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૫૨૩ આયુષ્માન કાર્ડ બનાવીને ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂરો કરીને સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
*****