AnandToday
AnandToday
Thursday, 09 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

દાહોદનાં જંગલોમાં દુર્લભ ગણાંતા ગલગલના વૃક્ષ ઉપર ખીલ્યા છે ભાગ્યશાળીને જોવા મળતા પુષ્પો

બોદ્ધ ધર્મમાં જ્ઞાન પ્રાપ્તિ મેળવવાનું વૃક્ષ ગણાતા ગલગલમાં અનેક ઔધષિય ગુણો ઉપલબ્ધ

સમગ્ર ગુજરાતમાં આ પ્રજાતિના માત્ર ૩૦૦૦ જેટલા વૃક્ષો જ હાલમાં અસ્તિત્વ


વડોદરા
દાહોદની વનસંપદામાં અપાર વૈવિધ્ય અને એટલું જ સૌદર્ય રહેલું છે. અનેક દુર્લભ ગણાતા વૃક્ષો અહીં જોવા મળે છે. તેમાંય જિલ્લામાં પાનખર પછી વસંતનો વૈભવ તો જોવા અને માણવા લાયક હોય છે. ફાગણમાં પણ અનેક જાણ્યા અજાણ્યા વૃક્ષો ખીલી ઉઠયા હોય છે. દાહોદમાં અત્યારે ગલગલ અથવા ગણિયારી તરીકે ઓખળાતા વૃક્ષ સુંદર પીળા ફૂલો અને તેની સુંગધથી લોકોને મોહી રહ્યાં છે. લૃપ્ત થતા વૃક્ષોમાં આવતા આ ગલગલના દુલર્ભ વૃક્ષોમાં ઔષધિય ગુણો સાથે આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે. 

ગલગલ અથવા ગણિયારી તરીકે ઓળખાતું આ વૃક્ષ એ મધ્ય કદનું સીધું ઊગતું સુંદર વૃક્ષ છે. આ ઝાડની ઉંચાઈ ૨૫ ફૂટ સુધીની હોય છે. સૂકા પાનખર જંગલોમાં જોવા મળે છે, આ વૃક્ષ ને Silk Cotton tree તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ફૂલ ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં આવે છે. આ વૃક્ષ મોટા ભાગનો સમય પાન (પર્ણ) વગરની અવસ્થામાં હોય છે. જે જાન્યુઆરી થી પાન (પર્ણ )ખરી જાય છે તો જૂન મહિનામાં નવા પર્ણ આવવાની શરૂઆત થાય છે.
 
ગનિયારીના પુષ્પ અતિશય સુંદર મોટા પીળા કલરના અને સુગંધ ફેલાવતા હોય છે. પુષ્પો એકવાર ખીલ્યા પછી સવારથી લઈ બીજા દિવસની બપોર સુધી ખીલેલા રહે છે. આ વૃક્ષના ફૂલ જોવા તે એક લાહવો છે. તેમાંથી મનભાવક સુગંધ આવે છે. ભાગ્યશાળીને આ વૃક્ષના ફૂલ જોવા મળે છે, ૪૮ કલાકના ગાળામાં તેના ફૂલ ખરી જાય છે. 
 
 આ વૃક્ષનો આયુર્વેદિક પણ ઉપયોગ છે. ઝાડા, કમળો, ઉદરસમાં, તેનો ગુંદર પણ દવા તરીકે મરડો, ઝાડા, અસ્થમા, આંખના રોગો અને પેટના દુખાવામાં ઉપયોગી છે. છાલનો ઉપયોગ વિવિધ દવા બનાવવામાં પણ વપરાય છે. આ વૃક્ષમાંથી મળતા રૂ ના નાના ગાદલા, ઓશીકા બનાવવામાં આવે છે. બોદ્ધ ધર્મમાં ગલગલને જ્ઞાન પ્રાપ્તિ મેળવવાનું વૃક્ષ પણ કહેવાય છે. આ ઝાડ પવિત્ર માનવામાં આવે છે.  ઘણીવાર મંદિરો નજીક પણ ઉગાડવામાં આવે છે.

બારીયા વનવિભાગના નાયબ વનસંરક્ષક (આઇએફએસ) શ્રી આર. એમ. પરમાર જણાવે છે કે, આ વૃક્ષ ગુજરાતના માત્ર મધ્ય ગુજરાતમાંજ તેમાં પણ રાજપીપળાના જંગલોમાં પંચમહાલ, છોટાઉદેપુર તથા દાહોદના જંગલોમાં જ જોવા મળે છે.  દાહોદમાં સાગટાળા, રતનમહાલ, ધાનપુર અને દાહોદ નજીક રામપુરા ગ્રાસ બીડમાં પણ આ વૃક્ષો જોવા મળે છે.

એક અભ્યાસ મુજબ રાજપીપળામાંથી ૧૪૦૨ વૃક્ષો, છોટાઉદેપુરમાંથી ૧૬૩૫ વૃક્ષો નોંધાયેલા છે. પંચમહાલ અને દાહોદમાં આનો અત્યાર સુધીમાં અંદાજ મળી શકેલ નથી. પણ આ વૃક્ષો  પંચમહાલ દાહોદમાં જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રજાતિના માત્ર ૩૦૦૦ જેટલા વૃક્ષો જ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ વનસ્પતિને ભયના આરે ગણાવેલ છે. તથા લુપ્ત થવાને આરેની કેટેગરીમાં મુકેલ છે.