AnandToday
AnandToday
Wednesday, 08 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આયુષ્માન ભારત યોજના હેઠળ દર મહિને ૧૮૦૦ થી વધુ દર્દીઓનું શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસીસ કરવામાં આવે છે

હોસ્પિટલ ખાતે ૪૪ ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ

આણંદ, 

 કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગરીકોના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત અને કાર્યરત રહે છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર મહિને ૧૮૦૦ થી વધુ દર્દીઓનું ૪૪ ડાયાલિસીસ મશીનની સુવિધા ધરાવતા શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ડાયાલિસીસ કરવામાં આવે છે. અહીં કિડનીની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હીમોડાયાલિસીસની સારવાર ૩ શિફ્ટમાં, સવારે ૭ થી રાત્રિના ૯ દરમ્યાન આપવામાં આવે છે. જેમાં ૯૦ ટકા દર્દીઓ 'મા અમૃતમ' અને 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ મેળવે છે.

આ સેન્ટર ખાતે નિ:શુલ્ક ડાયાલિસીસ ઉપરાંત આર્યનસુક્રેન અને વિટામીનના ઈન્જેક્શન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સેન્ટર ખાતે ૨ નેફ્રોલોજીસ્ટ, ૧ મેડિકલ ઓફિસર અને ૧૬ ડાયાલિસીસ ટેકનિશ્યન કાર્યરત રહે છે. હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે આવતા તથા હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ દર્દીઓને રાત્રે પણ ડાયાલિસીસની સારવાર પૂરી પાડવામાં આવે છે.

આ હોસ્પિટલ સંચાલિત સેવાલીયા સેકન્ડરી કેર સેન્ટર (સોનાબા હોસ્પિટલ અને સદાબા પ્રસુતિ ગૃહ) ખાતે ૮ ડાયાલિસીસ મશીનની સુવિધા છે, જેમાં પંચમહાલ, દાહોદ, વણાકબોરી, ડાકોર, ઉમરેઠથી દર્દીઓ ડાયાલિસીસની સારવાર માટે આવે છે. આ સેન્ટર ખાતે મહિને ૩૫૦ દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેમાંથી ૩૦૦ દર્દીઓ ‘મા અમૃતમ અને ‘'આયુષ્માન ભારત' યોજનાના હેઠળ સારવાર લે છે. ગંભીર કિડનીની તકલીફ ધરાવતા એટલે કે ડેન્ગ્યુ, ડાયેરિયા, મેલેરિયા અને સુવાવડ બાદ વધુ પડતો રક્તસ્ત્રાવ થવાથી કિડની પર ગંભીર ઈજા પહોંચી હોય તેવા દર્દીઓ માટે હીમોડાયાલિસીસની સારવાર પૂરતી હોતી નથી. જેથી તેમને કન્ટીન્યુઅસ રિર્નલ રિપ્લેસમેન્ટથેરાપીની સારવાર હોસ્પિટલના ક્રિટિકલ કેર સેન્ટર ખાતે આપવામાં આવે છે. મહિને ૩થી ૫ દર્દીઓ આ સારવારનો લાભ લે છે. સેન્ટર ખાતે પ્લાઝમા થેરાપી, રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી, કિડનીના રોગોનું નિદાન અને સારવાર, ફીસ્ટુલા અને પરમેનન્ટ કૅમેટરની સગવડ પણ ઉપલબ્ધ છે.

કિડની રોગોનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, જેથી દરેક વ્યક્તિએ કે જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર અથવા મેદસ્વીતા હોય તથા કુટુંબમાં કિડનીની બીમારી હોય તેવા લોકોએ સમયાંતરે કિડનીની બીમારીના નિદાન ટેસ્ટ જેવા કે ક્રિએટીન, યુરિયા અને યુરિનની તપાસ કરાવવી જરૂરી છે, તેમ સેન્ટરના નેફ્રોલોજીસ્ટ ડો. મૌલિન શાહ જણાવ્યું હતું. વધુમાં કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગ ખાતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

*********