AnandToday
AnandToday
Tuesday, 07 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ડાકોર ખાતે ઉત્સવપૂર્ણ ફાગણી પૂનમની ઉજવણી 

શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાન રણછોડરાયના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી

જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના અને ધજારોહણ કરાયું  

જિલ્લા અને રાજયના નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી રાજા રણછોડરાયજીને પ્રાર્થના - જિલ્‍લા કલેક્ટરશ્રી કે.એલ. બચાણી

ડાકોર ફાગણી પૂનમ ૨૦૨૩માં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભાવિક ભક્તોની વિશેષ કાળજી લેવામાં આવી છે :- આઇ.જી.વી ચંદ્રશેખર 

નડીઆદ

 ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે ઉત્સવપૂર્ણ ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્‍ય સેવા પૂજા સમયાનુસાર સવારે ૪:૦૦ વાગે કરવામાં આવી હતી. 

 વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કલેક્ટર શ્રી કે.એલ.બચાણી દ્વારા કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચઢાવવામાં આવી હતી. 

આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિક ભક્તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના રણછોડજી મહારાજના દર્શન કરી શકશે. સાથોસાથ કલેકટરશ્રી દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉતરોત્તર વધારો થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. 

આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલિકા દ્વારા કરવામાં આવતી સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિક ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે  જિલ્લા વહીવટી તંત્ર સજજ છે.

ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રધ્ધાળુઓની ડાકોર ખાતે ભારે ભીડ હતી. 

આ પ્રસંગે રેન્‍જ આઇ.જી શ્રી વી. ચંદ્રશેખર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર. રાણા, ઇન્ચાર્જ જિલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી વી.આર.બાજપેયી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીશ્રી રિદ્ધિબેન શુકલ, મામલતદારશ્રી,  સહિત અન્‍ય મંદિરના સેવકો ભાવિ ભક્તો ઉપસ્‍થિત રહયા હતા.

૦૦૦