આલેખન: શીતલ પરમાર
વડોદરા
આજે ૮મી માર્ચ છે એટલે કે વિશ્વ મહિલા દિવસ. નારી શક્તિને સમજવાનો અને ગર્વ લેવાનો દિવસ. ‘નારી તું નારાયણી’ અને 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' જેવા શ્લોક તો દેશની સંસ્કૃતિના મૂળ મંત્ર સમા છે. મહિલાઓ માટે ભાવ, આભાર અને સન્માન પ્રકટ કરવાના આ દિવસ પર મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સતત કટિબદ્ધ એવી વડોદરા પોલીસની ‘શી’ ટીમની કામગીરીની જાણકારી મહિલાઓ સહિત સૌ શહેરીજનોને ગૌરવાન્વિત કરી દેશે.
સંસ્કારી નગરી વડોદરામાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ‘શી’ ટીમ કાર્યરત છે. વડોદરા પોલીસની શી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક કામગીરી કરવામાં આવે છે. કંટ્રોલ રૂમ તરફથી કે પોલીસ સ્ટેશન તરફથી મળતા મેસેજ પણ શી ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવે છે. આ પ્રકારના મોટા ભાગના મેસેજ મહિલા તથા સિનિયર સિટીઝનની ફરિયાદને લાગતા હોય છે. ત્યારે આવો જોઈએ, વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત શી-ટીમની કામગીરીનું એક વિહંગાવલોકન..
(૧) પ્રોજેક્ટ ઉમ્મીદ:
આ પ્રોજેક્ટ અંતર્ગત કોરોનાની બીજી લહેર દરમિયાન દરમ્યાન કોરોના સંક્રમિત વ્યક્તિઓને શુભેચ્છા કાર્ડ પાઠવી પ્લાઝ્મા, રેમન્ડેસિવિર, વેન્ટીલેટર, આઇ.સી.યુ. બેડ જેવી મેડિકલ જરૂરિયાતો અંગે વ્યવસ્થા કરવામાં આવી.
(૨) આત્મનિર્ભર પ્રોજેક્ટ:
આ પ્રોજેક્ટ અંતર્ગત શી-ટીમ દ્વારા ગંભીર ગુનાઓનો ભોગ બનેલી મહિલાઓને સરકારશ્રીના ધારાધોરણ મુજબ વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તેમજ પ્રોહિબેશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહિલાઓનું પુન:સ્થાપન કરવામાં આવે છે. જેમાં વિવિધ ગુનામાં ભોગ બનનાર ૫૫૯ મહિલાઓના વિક્ટિમ કમ્પનસેશનને લગતા કાઉન્સેલિંગ કરવામાં આવ્યા.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૨૨ મહિલાઓને વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ અને સાધનો આપી તેઓનુ પુન:સ્થાપન કરવામાં આવ્યું.
(૩) સમજ સ્પર્શની પ્રોજેક્ટ:
- આ પ્રોજેક્ટ અંતર્ગત શી-ટીમ દ્વારા વિવિધ સોસાયટીઓ, શાળાઓ, કોચિંગ ક્લાસિસ, બાગ-બગીચાઓ વગેરે જેવા સ્થળો પર જઇ બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ અંગે જાગૃત કરવામાં આવે છે, જેથી બાળકો સાથે કોઇ પ્રકારના શારીરિક છેડછાડના અણબનાવો અટકાવી શકાય.
-શી-ટીમ દ્વારા અત્યાર સુધી ૧.૪૮ લાખથી વધારે બાળકો માટે ‘ગુડ ટચ-બેડ ટચ’ વિશેની સમજના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
(૪) ખુશી પ્રોજેક્ટ:
- આ પ્રોજેક્ટ અંતર્ગત શી-ટીમ દ્વારા જરૂરિયાત મહિલાઓને માસિકસ્ત્રાવની આપત્તિજનક પરીસ્થિતિમાં નિ:શુલ્ક સેનેટરી પેડ મળી રહે તે માટે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫ જગ્યાઓ પર સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૯,૯૩૨ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે.
(૫) નમન: આદર સાથે અપનાપન
- આ પ્રોજેક્ટ અંતર્ગત શી-ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સીટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને અવારનવાર તેઓની મુલાકાત લઇ તેઓની મુશ્કેલીઓનું નિવારણ કરી તેઓને મદદ કરવામાં આવે છે. જે અંતર્ગત ૩.૬૭ લાખથી વધારે સિનિયર સીટીઝનની ટેલિફોનિક મુલાકાત લેવામાં આવી છે અને ૨૯,૮૧૦ ની રૂબરૂ મુલાકાત કરી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
(૬) પ્રોજેક્ટ ‘હિંમત’:
- આ પ્રોજેક્ટ અંતર્ગત શી-ટીમ દ્વારા યુવતીઓ/મહિલાઓને સ્વરક્ષણ, રાઇફલ શૂટિંગ તથા ઘોડેસવારીની તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓનો આત્મવિશ્વાસ વધે અને તેઓ પોતાનુ રક્ષણ કરવા સક્ષમ બને. - જેમાં ૭૬૭ યુવતીઓને રાઇફલ શૂટિંગની તાલીમ આપવામાં આવી છે. ૩૨૭ મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી છે, તો ૧૨૭ મહિલાઓને ઘોડેસવારીની તાલીમ આપવામાં આવી છે.
(૭) જિંદગી હેલ્પલાઇન:
- જીવનથી હતાશ થયેલા લોકોને યોગ્ય સમયે યોગ્ય કાઉન્સેલિંગ મળી રહે અને તેઓને આત્મહત્યા જેવું પગલું ભરતા અટકાવી શકાય તે હેતુથી “જિંદગી હેલ્પલાઇન" શરૂ કરવામાં આવી છે. જિંદગી હેલ્પલાઇન અંતર્ગત હેલ્પલાઇન પર આવતા કોલ અને રૂબરૂ રજૂઆતોના અનુસંધાને અરજદારને યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પુરૂ પાડવામાં આવે છે. આ હેલ્પલાઇન અંતર્ગત અત્યાર સુધી ૫૧૬ કોલ રિસિવ કરવામાં આવ્યા છે અને કોલ કરનનારને શી-ટીમ દ્વારા જરૂરી મદદ તથા કાઉન્સેલિંગ પુરૂ પાડવામાં આવેલ છે.