આણંદ,
કમીશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા તરીકે આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનું રૂ. એક લાખનો ચેક અને શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આણંદ સ્થિત ત્રિભુવનદાસ ફાઉન્ડેશન જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓના આરોગ્ય,રોજગાર અને પોષણ માટે ખૂબ સારું કામ કરી રહી છે. આ સંસ્થા ગ્રામ્ય કક્ષાએ સગર્ભા-ધાત્રી મહિલાઓ અને નાના બાળકોના પોષણ વિશે જાગૃતિ ફેલાવવાની, કાઉન્સેલીંગ ઉપરાંત જરૂર પડે તો પ્રાથમિક સારવાર અને દવા આપવાની, સંસ્થાના હેન્ડીક્રાફ્ટ યુનિટમાં પેચ વર્કના કામ થકી મહિલાઓને રોજગારી આપવાની તેમજ ચાઈલ્ડ લાઈન અને તરુણાવસ્થા જાગૃતિના કાર્યક્રમો યોજીને મહિલા વિકાસ ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
નોંધનીય છે કે, મહિલા વિકાસ ક્ષેત્રે રાજ્યમાં ઉમદા કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાની કામગીરીને બિરદાવવા તેમજ મહિલાઓના વિકાસના ક્ષેત્રે વધુને વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇને મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ બને તે બાબતને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક સ્વૈચ્છિક સંસ્થાને ''ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર‘‘ એવોર્ડ આપવામાં આવે છે.
*****