આણંદ
આણંદ-ખેડા જિલ્લામાં આજે હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોલિકાનું પ્રાચીન પરંપરા મુજબ દહન કરવામાં આવ્યું હતું. આણંદ નડિયાદ સહિત ચરોતરના વિવિધ તાલુકા મથકની તમામ શેરી-ગલી, મહોલ્લા અને વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન પરંપરા મુજબ ઢળતી સંધ્યા બાદ નિયત સમયે હોળી પ્રગટાવી લોકોએ દર્શન કર્યા હતા.
આણંદ શહેર અને જિલ્લામાં આજે હોળી પર્વ નિમિત્તે તમામ લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જેમાં બે વર્ષ પછી આ વખતે કોરોનાની.પરિસ્થિતિ એક્દમ બહેતર છે અને કોરોનાના ભયનું ક્યાંય નામોનિશાન ન હોવાથી ચરોતરના લોકોમાં અગાઉના વર્ષોની જેમ જ ભયમુક્તપણે હોળી ઉજવવાનો આનંદ ચરમસીમાએ પહોંચ્યો હતો. આજે હોળીના દિવસે લોકો છેલ્લી ઘડી સુધી ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ છેલ્લી ઘડી સુધી બજારોમાંથી ખજૂર, ધાણી, દાળિયા, પતાસા તેમજ વિવિધ વેરાયટી ધરાવતી પિચકારીઓ અને જાતભાતના રંગબેરંગી પણ શરીરને નુકશાન ન થાય તેવા નેચરલ કલરોની મોટાપાયે ખરીદી કરી હતી. એ સાથે જ આજે હોળીના દિવસે સંધ્યા બાદ નિયત સમયે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
આણંદ ખેડા જિલ્લાના તમામ શેરી અને ગ્રામ્ય વિસ્તારના દરેક શેરી-ગલી, વિસ્તારોમાં તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક વચ્ચે વર્ષોની પરંપરા મુજબ છાણાની મસમોટી હોળી કરીને જયઘોષ સાથે હોળીને પ્રગટાવવામાં આવી હતી. ઘણા વિસ્તારમાં સૌથી મોટી છાણાની હોળી વર્ષોની પરંપરા મુજબ પ્રગટાવવામાં આવે છે. એક અંદાજ મુજબ ચરોતરમાં 2000 થી વધુ સ્થળોએ હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. લોકોએ પોત પોતાના વિસ્તારમાં શ્રીફળ સાથે હોલિકા માતાની પ્રદક્ષીણા કરી હતી. તેમજ હોળીમાં શ્રીફળ, ખજૂર, ધાણી, સહિતની વસ્તુઓ હોમીને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મંગળવાર પડતર દિવસ અને ધુળેટી રંગોત્સવનું પર્વ બુધવારે મનાવાશે
ચાલુ વર્ષે હોળીના તહેવારને લઈને અસમંજસ સ્થિતિ પ્રવર્તી રહી છે પરંતુ જ્યોતિષીઓ અને પંડિતોના મંતવ્યનુંસાર હોલિકા દહન સોમવારે સાંજે જ કરવું શ્રેષ્ઠ હોવાથી ચરોતરમાં સોમવાર સાંજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હોલિકા દહન માટે પૂનમ અને રાત્રિનો સંયોગ જરૂરી છે જે માત્ર સોમવારે રાત્રે જ ઉપલબ્ધ છે. હોળાષ્ટક તા. 7-3-23 ના રોજ 6ક.11મિ. પૂરા થાય છે મંગળવાર પડતર દિવસ ગણાશે અને ધુળેટી રંગોત્સવનું પર્વ બુધવારે મનાવાશે.