AnandToday
AnandToday
Sunday, 05 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં મત્સ્યોદ્યોગ થકી અનેક લોકોને રોજગારી મળી રહી છે - જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવી

આણંદ ખાતે મત્સ્ય ખેડૂત શિબિર યોજાઈ


આણંદ, 
આણંદ જીલ્લાના મત્સ્ય ખેડુતોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, ભાંભરા પાણીની યોજનાઓ તથા રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, આણંદ દ્વારા જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ સ્થિત અનિકેત ઓડિટોરિયમ ખાતે મત્સ્ય ખેડૂત શિબિર યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. જિલ્લામાં મોટી સંખ્યામાં તળાવો ઉપલબ્ધ હોવાથી અનેક લોકોને મત્સ્યોદ્યોગ થકી રોજગારી મળી રહી છે. તેમણે શિબિરનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, આવી શિબીરો થકી તાલીમ બધ્ધ થઈ ખેડૂતો વધુ ઉત્પાદન મેળવીને સારી આવક ઉભી કરી શકે છે.

અ તકે કલેકટરશ્રીએ જે લોકોને તળાવના ઇજાફા અપાયા છે તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓનું ધ્યાન રાખી તેનું નિરાકરણ લાવવાનો અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આણંદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી આર. પી. સખરેલીયાએ સ્વાગત પ્રવચન કરી સરકારની વિવિધ મત્સ્યોદ્યોગ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ શિબિરમાં તજજ્ઞો દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, ભાંભરા પાણીની યોજનાઓ તેમજ ઝીંગા-મત્સ્ય ઉછેરમાં કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય, ઝીંગા ઉછેર તળાવનું પોસ્ટર એક્વા કલ્ચર ઓથોરિટી હેઠળ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ, ઝીંગા ઉછેર માટેની પદ્ધતિ, ઝીંગા ઉછેર પ્રવૃત્તિમાં મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ સહાયની યોજના, તળાવ ઇજારા નીતિ - ૨૦૦૩ અમલીકરણ, સરકારી યોજનાનો લાભ લેવા માટે આઈ- ખેડુત પોર્ટલ પર કેવી રીતે અરજી કરવી તેમજ માછીમાર જૂથ અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે નોંધણી કરાવવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરમાં આણંદની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી દ્વારા ૭૫ ખેડુતોને આપવામાં આવેલ મત્સ્ય ઉછેર માટેના તળાવ ઇજારાના હુકમનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા નાયબ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી સમીર આરદેશણા, વડોદરા મત્સ્યોદ્યોગ અધિક્ષક શ્રી એચ.વી. મહેતા, વલાસણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી જૈમીનભટ્ટ, આણંદ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રીની કચેરીના અધિકારી-કર્મચારીઓ, ઝીંગા ઉછેર મંડળીઓના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઝીંગા-મત્સ્ય ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
*****