AnandToday
AnandToday
Sunday, 05 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

આસ્તિકતાનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે-પૂજ્ય ડો.જ્ઞાનવત્સલ સ્વામી

આણંદ બી.એ.પી.એસ. મંદિર અને ઇંડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે

આણંદ- અક્ષરફાર્મ ખાતેRight time- Right Choiceસેમિનાર યોજાયો

આણંદ 
આણંદ બી.એ.પી.એસ. મંદિર અને ઇંડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આણંદ - અક્ષરફાર્મ ખાતે તા. ૫ માર્ચ, રવિવારે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન "Right time-Right Choice" વિષયક યોજાયેલ આ સેમિનારમાં યુવા જગતમાં લોકપ્રિય અને બી.એ.પી.એસ. ના વિખ્યાત મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું. સાંપ્રદ સમયમાં સ્ટ્રેસ મેનેજમેંટનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાના અમુલ્ય અવસર સમા આ સેમિનારમાં ભાગ લેનાર માટે સવારે ૮.૦૦ વાગ્યાથી જ સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. ધૂન, સ્તુતિ બાદ આજના કાર્યક્રમને આનુષાંગિક જાણીતા મનોચિકિત્સક, બ્લોગર અને કટાર લેખક ડો. હંસલ ભચેચે આજની યુવા પેઢીની તણાવની સ્થિતિ, તેના કારણો અને તેને સંતુલિત રાખવા અંગેની અસરકારક વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમના સહ આયોજક IMA - આણંદના પ્રમુખ અને સ્પાઈન નિષ્ણાત ડો. દિપક શાહે IMA ની પ્રવૃત્તિઓ વર્ણવી હતી.
ત્યારબાદ આજના કાર્યક્રમનું દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ, આણંદ જીલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી, મુખ્ય વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, પૂજ્ય ભગવતચરણ સ્વામી, IMA - આણંદના પ્રમુખ ડો. દિપક શાહ, ડો. નિકેત પટેલ-આકાંક્ષા હોસ્પિટલ જોડાયા હતા. 

ડીવાઈસના અતિરેકથી યુવાપેઢી માનસિક રોગોના શિકાર બની રહી છે.

ત્યારબાદ વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ સેમિનારના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે “ આજે "લાલ બટન અને લીલું બટન" કહેતા "યુ ટ્યુબ અને વોટ્સઅપ" પાછળ યુવા પેઢી દોડી રહી છે. આવા ડિજિટલ ડીવાઈસના અતિરેકથી યુવાપેઢી માનસિક રોગોના શિકાર બની રહી છે. FOMO (Fear Of Missing Out), Textaphernia & Textiety જેવા માનસિક રોગો આજે પ્રચલિત છે. આ પરિસ્થિતિમાં ચોઈસ આપણી છે. સૌમાં ઉચ્ચ કેરિયર બનાવવાની ક્ષમતા છે પરંતુ "રાઈટ ટાઇમમાં રાઈટ ચોઈસ" કરવી જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પ્રત્યે ઈર્ષાભાવ, સ્પર્ધાભાવ ન રાખવો. "એની પાસે છે એ મારી પાસે હોવું જ જોઈએ" એ અભિગમ ન હોવો જોઈએ. માત્ર લોકોના મત મુજબ જ જીવન જીવવું એ જરૂરી નથી. પોતાની પસંદગી પોતે નક્કી કરવાની છે. જીવનની બે ચોઇઝ છે, એક નાસ્તિકતા અને બીજી આસ્તિકતા. આ બે માંથી આસ્તિકતાનો માર્ગ એ જ શ્રેષ્ઠ માર્ગ છે.ત્યારબાદ મંચ ઉપર યોજાયેલ પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં પુછાયેલ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. UPSC ના સંદર્ભે પણ જીલ્લા કલેકટર શ્રી ગઢવી સાહેબે વિદ્યાર્થીઓ ને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા બાવીસ વર્ષથી આણંદ મંદિરની વહીવટી સેવા સાથે જોડાયેલ પૂજ્ય ભગવતચરણ સ્વામીએ એમની વહીવટી સફળતા પાછળ ભગવાનના કર્તાપણાનો વિચાર, ગુરૂના રાજીપાના વિચાર, ભગવાનમાં શ્રદ્ધા રાખવા અંગે વાત કરી હતી. ત્યારબાદ પેનલ ચર્ચા યોજાઈ હતી.આમ આ કાર્યક્રમ સર્વાંગ રીતે સૌને ખુબ જ ઉપયોગી રહ્યો હતો. આ પ્રસંગે પૂ. ડોક્ટર વેદમનન સ્વામીએ યુવાપેઢીને આરોગ્યલક્ષી માહિતી રસપ્રદ પ્રેરઝન્ટેશન અને એક્ટીવિટી દ્વારા આપી હતી.
આ પ્રસંગે સાત હજાર ઉપરાંત યુવા, યુવતી અને ઉત્સુક શ્રોતાગણે લાભ લીધો હતો. સૌ માટે શરબત અને મહાપ્રસાદની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય યજ્ઞસેતુસ્વામી અને સંતો તથા યુવકો, યુવક અને સંયુક્ત મંડળના કાર્યકરો, સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.