AnandToday
AnandToday
Sunday, 05 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટના વિદ્યાર્થીનો રિસર્ચ પ્રોજેકટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ થયો 

ક્લાઈમેટ ચેન્જ માટેના ગ્લોબલ ડેટાનો ઉપયોગ ભારતમાં ભાવિ આબોહવાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે

આણંદ

બદલાતી આબોહવા અને વરસાદની પેટર્ન એ સમાજ સામેનો સૌથી મોટો પડકાર છે. તે પૃથ્વી પરના જીવનના દરેક પરિમાણ અને બધી જ માનવ પ્રવૃત્તિઓને અસર કરે છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ કુદરતી આફતોને કારણે દર વર્ષે જીવન-સંપત્તિ-વ્યવસાયનું ખૂબ નુકસાન થાય છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા સમયથી તેના પર કામ કરી રહ્યા છે. તેઓ બદલાતી હવામાનની પેટર્નને સમજવાનો પ્રયાસ કરે છે અને તેની અગાઉથી આગાહી કરવાનો પ્રયાસ કરે છે જેથી આ નુકસાનને ઘટાડવા સમયસર અસરકારક આયોજન અને વ્યવસ્થાપન કરી શકાય. આ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસોને ક્લાયમેટ મોડેલિંગ કહેવામાં આવે છે.
ગ્લોબલ લેવલથી સ્થાનિક સ્તરે આબોહવાની માહિતી જનરેટ કરવા ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT) ના કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વડા પ્રો. અમિત ઠક્કર અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રો. હિતેશ્રી શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી મેઘલ શાહ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો જેમાં IPCC (ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ) દ્વારા આપવામાં આવેલ ક્લાઈમેટ ચેન્જ માટેનાં ગ્લોબલ ડેટાનો ઉપયોગ કરાયો છે. વિવિધ સ્કેલ પર આબોહવા પરિવર્તન અને તેની સંભવિત અસરોનું વિશ્લેષણ કરવા માટે વૈશ્વિક સ્તરના આબોહવા પરિવર્તન ડેટાનો ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ ડેટાના ઓછા રીઝોલ્યુશનના (100-500 કિમી) કારણે તે સ્થાનિક સ્તરે નિર્ણયો લેવા માટે અસક્ષમ છે. વિવિધ અવકાશી સ્કેલ પર વરસાદના વિતરણને સમજવું જળ સંસાધન વ્યવસ્થાપન, હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, કૃષિ ઉદ્યોગો અને શહેરી આયોજન માટે મહત્વપૂર્ણ છે. વરસાદનું યોગ્ય અવકાશી વિતરણ જાણવા પ્રમાણમાં ઝીણા અવકાશી રીઝોલ્યુશન પર પરિવર્તન કરતી વખતે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. 
મેઘલ શાહે છ અદ્યતન મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સની ઓળખ કરી અને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા અનેક પ્રયોગો કર્યા અને ગ્લોબલ ડેટાસેટમાંથી સ્થાનિક સ્કેલની માહિતી મેળવવાની શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિની શોધ કરી. તેમણે સમગ્ર ભારતીય ક્ષેત્ર માટે ઘણાં બધા પ્રયોગો કરીને ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા જે અન્ય ઘણા વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસો માટે ઉપયોગી થશે. 
મેઘલે છ જુદા જુદા IPCCના ગ્લોબલ ડેટાસેટ દ્વારા આપવામાં આવેલ વર્તમાન અને ભાવિ આબોહવાની પરિસ્થિતિઓ માટે વરસાદ, મહત્તમ તાપમાન, લઘુત્તમ તાપમાન, પવન, વાદળોનું આવરણ અને હવામાંનો ભેજ જેવા છ અત્યંત મહત્વપૂર્ણ આબોહવા પરિમાણો માટે છ જુદા જુદા મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સનું પરીક્ષણ કર્યું, અને તે બધા માટે શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા. આ વિશે ડૉ. અમિત ઠક્કરે જણાવ્યું કે આ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ પાયથોન પ્રોગ્રામિંગમાં બનાવવામાં આવ્યા છે, જે એક અત્યાધુનિક પ્રોગ્રામિંગ ભાષા છે, તે આ પ્રોજેક્ટને ચારૂસેટમાં C-DACના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા પ્રાયોજિત સુપર કોમ્પ્યુટરની સુવિધાની મદદથી કરવામાં આવ્યો છે. કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ પાસે ઉપલબ્ધ પરમ શવક સુપર કમ્પ્યુટર સુવિધાનો ઉપયોગ ક્લાઈમેટ ડેટા ફાઈલોના સંચાલન અને સંગ્રહને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે.  
ડૉ. હિતેશ્રી શાસ્ત્રીએ કહ્યું કે ક્લાઈમેટ ડેટાને પ્રોસેસ કરવા અસંખ્ય કમ્પ્યુટર એલ્ગોરિધમ્સ ઉપલબ્ધ છે, પરંતુ યોગ્ય એલ્ગોરિધમને ઓળખી પ્રયોગો કરી અને યોગ્ય પદ્ધતિ પસંદ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ અભ્યાસ 21મી સદી દરમિયાન ભારતમાં ભાવિ આબોહવાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે. 
મેઘલનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રખ્યાત વૈજ્ઞાનિક જર્નલ IEEE Xploreમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. મેઘલના કાર્યને હૈદરાબાદમાં મશીન ઈન્ટેલિજન્સ ફોર જીઓએનાલિટિક્સ અને રિમોટ સેન્સિંગ (MIGARS-2023) ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો અને સંશોધકોની આ કોન્ફરન્સમાં  મેઘલ   સૌથી યુવા સંશોધક હતો અને મેઘલને કોન્ફરન્સ કમિતિ પાસેથી ગ્રાન્ટ મળી છે.  કોન્ફરન્સમાં પોતાના અનુભવ વિશે મેઘલે કહ્યું કે મને ISRO, IISc, IIST, IITs અને વિદેશી અવકાશ કેન્દ્રોના નિષ્ણાતોને  મળવાની, તેમને જાણવાની અને તેમની પાસેથી શીખવાની  શ્રેષ્ઠ તક મળી હતી.