AnandToday
AnandToday
Thursday, 02 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને રહીશું : ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રીશ્રીએ કરમસદથી નવનિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સ અને સ્ટેટ આઈ.બી. કચેરી, આણંદનું કર્યું ઇ-લોકાર્પણ

જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં ૩૧૩ લાભાર્થીઓને ચેક વિતરણ

આણંદ જિલ્લાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું


આણંદ,
  ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

 રાજ્ય સરકારનું આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી  ઉચ્ચારતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે,  સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને હેરાન પરેશાન અને બરબાદ કરનાર વ્યાજખોરો ગુજરાત છોડીને ચાલ્યા જાય. રાજ્ય સરકાર દ્વારાકડકમાં કડક પગલાં લઈને ઊંચું વ્યાજ લેનારાઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવશે..

સરકારના આ અભિયાનમાં મંત્રીશ્રીએ આમ જનતાનો પણ સાથ માગ્યો હતો. કોઈપણ જાતની બીક રાખ્યા વગર જો કોઈ ડાયરીવાળાઓ તમને ત્રાસ આપતા હોય તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આજે શ્રી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતેથી આણંદ જિલ્લાના નવ નિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ક્વાર્ટર્સ અને જોળ ખાતે નવનિર્મિત સ્ટેટ આઈ.બી. કચેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે વ્યાજખોરીના દૂષણ સામેની લડાઈમાં પ્રજા પણ સાથ આપે તે જરૂરી છે અભિયાનની શરૂઆત કરીને પોલીસ વિભાગે માતાનું મંગળસૂત્ર પરત અપાવ્યું છે પોતાના સપનાનું ઘર પરત અપાવ્યું છે અને સામાન્ય અને મધ્યમ પરીવાર વર્ગ જે હેરાન થતો હતો તેમને નવું જીવન આપ્યું છે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો, ૧૭ થી વધુ લોક દરબારો કરીને જિલ્લાના હજારો નાગરિકોની પીડા સાંભળી અને તેનું નિવારણ કર્યું, જેમાં ૫૦૦ થી વધુ કિસ્સાઓમાં એવા પરિવારો કે જે વ્યાજ ખોરીના ચૂંગલમાં ફસાઈ ગયા હતા તેમને તેમાંથી મુક્ત કરાવી અને ફરીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટેના માર્ગ પર લાવવા માટે આણંદ પોલીસ અભિનંદનને પાત્ર છે.

મંત્રીશ્રીએ ભાલેજ ખાતે નવનિર્મિત ૨૫ રૂમના પોલીસ ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું તથા ભાલેજ પોલીસ લાઈનના બાર મકાનોનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ ભવન  રૂ. ૪.૩૬ કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૨.૪૭ કરોડના ખર્ચે જોળ ખાતે સ્ટેટ આઈ બી કચેરી, આણંદનું પણ તેમણે ઈ- લોકાર્પણ કર્યું હતું.

મંત્રીશ્રીએ આણંદ જિલ્લામાં આવેલ ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. જેમાં કાવિઠા, વીરસદ, મેઘવા, અલારસા, દાવોલ અને ભાલેજ ગામના દાતાશ્રીઓનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પમાં બેંકના સહયોગથી લાભાર્થીઓને જે રકમ મંજૂર કરવામાં આવી હતી, તે પૈકી ૧૩ લાભાર્થીઓને ચેકનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી હર્ષ સંઘવીનું આણંદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સ્મૃતિ ભેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

સંસદ સભ્યશ્રી મિતેશભાઇ પટેલે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું રહ્યું છે, જેનાથી વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહ મંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ અને તેમની ટીમ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.

ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સુંદર છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આણંદ જિલ્લામાં મંજૂર કરવામાં આવેલ નવીન બસ સ્ટેશન અને અતિ આધુનિક સ્પોટ સંકુલ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રી અને મહાનુભાવોએ આજે આણંદ ખાતે નવનિર્મિત થનાર આધુનિક બસ સ્ટેશનના સ્થળની અને જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું છે તે જગ્યાની પણ મંત્રીશ્રીને મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

પ્રારંભમાં અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી. ચંદ્રશેખરે સૌને આવકારી રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોને ડામવા પગલાં લેવામાં આવ્યા છે તેની વિગતો આપી હતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. અંતમાં આભાર દર્શન  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણકુમારે કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પરમાર યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કલેકટર શ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ચાવડા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ મિત્રો સહિત નગરજનો હાજર રહ્યા હતા.
*****