AnandToday
AnandToday
Tuesday, 28 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

માનવીના સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વપુર્ણ - જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર

આણંદ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 

આણંદ, 
 જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આણંદ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ જ સન્માનપુર્વક જોવામાં આવે છે. માનવીના સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વપુર્ણ છે, તેમજ દેશ અને રાજ્યના વિકાસમાં મહિલાઓની ભુમિકા મહત્વની છે. તેમણે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મહિલા સશક્તિકરણ મહત્વનું હોવાથી મહિલા સશક્તિકરણ માટે સરકાર ખુબ જ પ્રયત્નશિલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી પાર્થ ઠાકરે ઉપસ્થિતોને પોક્સો એક્ટ, આઇ.સી.ડી.એસ.ના અધિકારીશ્રી નિધી ઠક્કરે પુર્ણા યોજના તથા કિશોરીઓના આરોગ્ય અને પોષણ, રોજગાર વિભાગના ચેતન મહેતાએ શિક્ષણની વિવિધ યોજનાઓ તથા રોજગાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંજયભાઇએ મહિલાઓ માટેની ઉદ્યોગની યોજનાઓ, સાઈબર ક્રાઇમ પી.એસ.આઇ. એચ.બી. પુરોહિતે ડીઝીટલ સિક્યુરીટી અને સેફ્ટી અને આઇ. ટી. આઇ. ના મનિષાબેન વસાવાએ મહિલા આઇ. ટી. આઇ.માં ઉપલબ્ધ વિવિધ ટ્રેડ વિશે માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ફરજાના ખાન અને જાગૃત મહિલા સંગઠનના પ્રમુખશ્રી આશાબેન દલાલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.  

આ કાર્યક્રમમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિભાગના મહિલા અધિકારી/કર્મચારીઓનું મહાનુભવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી રૂપલબેન પટેલ, જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી રીટાબેન પટેલ, મહિલા અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****