AnandToday
AnandToday
Sunday, 26 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે ડાકોરમાં રામઢોલ વગાડી ઘોંઘાટ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં તા.૦૪/૦૩/૨૩ થી તા.૦૮/૦૩/૨૩ સુધી રામઢોલ વગાડવા તેમજ રામઢોલ સાથે રાખવા ઉપર પ્રતિબંધ 

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તેમજ મંદિર તથા દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય.

નડીઆદ 
ફાગણસુદ પુનમ (હોળી-ધુળેટી) તહેવાર નિમિત્તે તા.૦૪/૦૩/૨૦૨૩ થી તા.૦૮/૦૩/૨૦૨૩ દરમ્યાન ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં દર્શને આવતા યાત્રાળુઓ, ઘણા સંઘો, પદયાત્રીઓ તેમની સાથે રામઢોલ લઈ દર્શનાર્થે આવતા હોય છે. અને તેઓ ગમે ત્યાં રોડ ઉપર, આડબંધમાં અને મંદિર પરીસરમાં રામઢોલ વગાડતાં હોવાથી ખુબ જ ઘોંઘાટ થાય છે, વાતાવરણ ડહોળાય છે અને રામઢોલની ધ્વનીને કારણે પદયાત્રીઓ એકત્રિત થઈ ભીડ કરતા હોય છે. જેના કારણે અરાજકતા ફેલાય તો ભાગદોડના બનાવો બનવાની શકયતાઓ નકારી શકાય નહી. તથા રામઢોલ વગાડવાથી વધુ અવાજ (ઘોંઘાટ) થવાથી લાઉડ સ્પીકર, વાયરલેસ સેટ અને વોકીટોકી સેટનો અવાજ સાંભળવામાં ઘણી જ તકલીફ પડે છે, જેના કારણે બંદોબસ્ત જાળવવામાં ઘણીજ અગવડતા પડતી હોય છે. તેમજ કોઈ વ્યકિત અથવા બાળકો, વૃધ્ધો છુટા પડેલા હોય છે તેઓનું માઈક ઉપર એનાઉન્સમેન્ટ કરવામાં આવે ત્યારે પણ રામઢોલના અવાજના કારણે યાત્રાળુઓને સંભળાતું નથી. તેમજ શ્રી રણછોડરાયજી મંદિર મહત્વના યાત્રાધામો પૈકીનું એક હોય અને હાલની દેશ અને રાજયની પરિસ્થિતિને ધ્યાને રાખી કોઈ ત્રાસવાદી ઈસમો રામઢોલમાં કોઈ સ્ફોટક પદાર્થ લઈને મોટી જાનહાનિ સર્જે તે નકારી શકાય નહી. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તેમજ મંદિર તથા દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં તા.૦૪/૦૩/૨૦૨૩ થી તા.૦૮/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન કોઈ પણ વ્યક્તિ અથવા યાત્રાળુઓ ઘ્વારા રામઢોલ વગાડી અવાજ (ઘોંઘાટ) કરવા તેમજ રામઢોલ સાથે રાખવા ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ખેડા દ્વારા જણાવવામાં આવે છે. 

આથી શ્રી બી.એસ.પટેલ જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડીઆદ, ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(એન), ૩૩(૧)(ઓ) ની ઉપલબ્ધ જોગવાઈઓ નીચે તેઓને મળેલ સત્તાની રૂઈએ હુકમ કરે છે કે તા.૦૪/૦૩/૨૦૨૩ના સવારના ૬.૦૦ કલાકથી તા.૦૮/૦૩/૨૦૨૩ના ૨૪.૦૦ કલાક સુધી ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં કોઈપણ ઈસમ કે ઈસમોના સમૂહ, પદયાત્રાળુઓ કે દર્શનાર્થીએ નીચે પ્રમાણેના નિયમોનું પાલન કરવા આથી ફરમાવે છે.

(૧) કોઈપણ વ્યકિત કે સંઘ કે પદયાત્રાળુઓના સમુહ દ્વારા રામઢોલ સાથે રાખી શકાશે નહી તેમજ રામઢોલ વગાડી અવાજ (ઘોંઘાટ) કરી શકાશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ની યથાપ્રસંગે કલમ-૧૩૧ (ખ)(૧), કલમ-૧૩૧(ખ)(૩) અનુસાર શિક્ષાને પાત્ર થશે.