AnandToday
AnandToday
Monday, 27 Feb 2023 00:00 am
AnandToday

AnandToday

આણંદ જિલ્લાનું ફરતું પશુ દવાખાનું બન્યું પશુપાલક માટે દેવદૂત

છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સાત ફરતા પશુ દવાખાના દ્વારા ૭૧,૯૬૩ પશુઓની સારવાર કરવામા આવી

આણંદ, 

 ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે સાત ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય આરંભાયુ હતુ. 

આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા  જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાલજ ખાતે એમ કુલ સાત ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે.

આ પશુ દવાખાના પૈકી તાજેતરમાં ઉમરેઠના પણસોરા ખાતે આવેલ કરતા પશુ દવાખાને ડૉ. સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી ઓનડ્યૂટી સ્ટાફ તરીકે ફરજ ઉપર હાજર હતા. તેજ દિવસે ગામના જ એક પશુપાલક ભાઇ અંદાજિત બપોરના સમયે એમ.વી.ડી(મોબાઇલ વેટરીનરી ડિસપેન્સરી) આવી પહોંચ્યા હતા અને ફરજ ઉપર હાજર ડૉક્ટર અને પાયલોટની મુલાકાત લઈને તેઓની એચએફ ગાયની માટી ખસી ગઈ હતી તે વિશેની જાણ કરી હતી.

પશુપાલકની વાત સાંભળી ફરતા પશુ દવાખાનાના ડૉ. સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી તરત જ પશુપાલકના નિવાસ સ્થાને પહોંચી ગયા અને જ્યાં ગાયને રાખવામા આવી હતી ત્યાંજ ગાયની ખસી ગયેલી માટી ની સ્થિતિનુ નિદાન કર્યુ. ડૉક્ટરની સૂઝ-બુઝ અને ૨ કલાકની ભરપૂર મહેનતે એચએફ ગાયને યોગ્ય સારવાર આપીને ખસી ગયેલ માટી ને યોગ્ય રીતે બેસાડીને ગાયનો જીવ બચાવી લેવાયો હતો. આમ પણસોરાનું આ ફરતું પશુ દવાખાનું ગામના પશુપાલક માટે આશીર્વાદરૂપ પૂરવાર થયુ હતું. 

પશુપાલકે ફરતા પશુ દવાખાના ના ડૉ.સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભીનો તેમજ તેમની ટીમનો લાગણીસભર હૃદયે આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ સેવા ખરેખર સાચા અર્થમાં સમગ્ર આણંદ જ નહિ પણ આખા ગુજરાત ના પશુધન અને પશુધનના માલિકો માટે વરદાનરૂપ સાબિત થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદના પશુ પાલકો માટે આ ફરતા પશુ દવાખાના દેવદૂત સમાન પૂરવાર થઈ રહ્યાં છે. જિલ્લામાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સાત ફરતા પશુ દવાખાના દ્વારા ૭૧,૯૬૩ પશુઓની સારવાર કરવામા આવી છે. સારવાર કરવામાં આવેલ આ પશુઓ પૈકી ઇમરજન્સીમાં ૮,૮૧૨ જ્યારે દસ ગામના શિડ્યુલ દરમિયાન ૬૩,૧૫૧ પશુઓને જરૂરી સારવાર અપાઈ છે. આ તમામ કેસોમાં ૨૬,૧૬૬ મેડિકલ કેસ, ૨૬,૨૧૪ મેડિસિન સપ્લાય કેસ, ૧૪,૦૩૧ સર્જિકલ કેસ,  ૫૨૨૮ પ્રસુતિના કેસ અને ૩૨૪ અન્ય કેસોનો સમાવેશ થાય છે.

*********