AnandToday
AnandToday
Sunday, 26 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ ગ્રામ્ય મામલતદારશ્રી દ્વારા હાથ ધરાયો અભિનવ અભિગમ

સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી ખેતીની જમીનના દસ્તાવેજ કરાવતા અરજદારને જમીન મહેસુલ કાયદાની નોટીસ રૂબરૂમાં આપવાનો નવતર પ્રયોગ


ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણીની સાથે જ તે જ દિવસે અરજદારોને નોટીસ બજાવવાની પ્રથા અમલમાં મુકાતા અરજદારોને હવે.... 
મામલતદાર કચેરી ખાતે જવામાંથી મૂક્તિ મળશે.

નોટીસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા પણ બંધ થશે.

ત્વરીત નોટીસ બજવાના કારણે નિયત સમય મર્યાદામાં ફેરણી અધિકારી દ્વારા નોંધનો નિર્ણય થઈ શકશે.

ખેતીની જમીનના દસ્તાવેજોની મહેસુલી રેકોર્ડમાં અસર આપવાની પ્રક્રિયામાં ખૂબ જ ઝડપી અમલીકરણ થઈ શકશે.

દસ્તાવેજોથી જમીન ખરીદનાર વ્યક્તિ સરળતાથી પોતાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી શકશે.

આણંદ, 
ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં આવે છે, ત્યાર બાદ દસ્તાવેજની નકલ સાથે મામલતદાર કચેરી ખાતે નોંધ દાખલ કરવાની થતી હોય છે. આ પધ્ધતિમાં રાજ્ય સરકાર દ્વારા સુધારો કરી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાતા ખેતીના દસ્તાવેજોની સીધી એન્ટ્રી રેવન્યુ કાર્ડમાં દાખલ થાય તેવી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે.

જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદ (ગ્રામ્ય) તાલુકાના અરજદારોને વધુ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી અરજદારોએ રજુ કરેલ દસ્તાવેજોની નોંધણી બાદ મોકલવામાં આવતી જમીન મહેસુલ કાયદાની કલમ ૧૩૫-ડી મુજબની નોટીસ દસ્તાવેજોની નોંધણીના દિવસે જ અરજદારોને રૂબરૂમાં મળી જાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને કારણે નોટિસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા બંધ થશે, તેમજ ત્વરીત નોટીસ બજવાના કારણે નિયત સમય મર્યાદામાં ફેરણી અધિકારી દ્વારા નોંધનો નિર્ણય થઈ શકશે. 

આ અંગે જાણકારી આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીનના દસ્તાવેજોની નોંધણી કર્યાના એક અઠવાડિયામાં ૧૩૫-ડી મુજબની નોટીસની બજવણી કરવામાં આવતી હતી, પરંતુ હવેથી દસ્તાવેજોની નોંધણીની સાથે તે જ દિવસે અરજદારોની સહી મેળવીને નોટીસ બજાવવાની પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. જેના કારણે નોટિસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા બંધ થશે તેમજ જમીન ખરીદનાર વ્યક્તિ સરળતાથી પોતાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી શકશે.

ખેતીની જમીનના દસ્તાવેજ કરાવતા અરજદારોને રૂબરૂમાં નોટીસ બજવવાના નવતર અભિગમની વાત કરતા આણંદ (ગ્રામ્ય) મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે, ખેતીની જમીનના દસ્તાવેજોની સબ રજીસ્ટ્રાર કચેરી નોંધણી થયા બાદ ઇ-ધરા કેન્દ્રમાં તેની નોંધ જનરેટ થાય છે, ત્યાર બાદ રેવન્યુ તલાટી દ્વારા ૧૩૫-ડી મુજબની નોટીસની બજાવવામાં આવે છે. કોઇ કારણસર અથવા સમય મર્યાદામાં આ નોટીસ ના બજે તો નોંધનો નિર્ણય લેવામાં વિલંબ થતો હોય છે તેમજ ૧૩૫-ડી નોટીસ ના બજવાના કિસ્સામા નોંધનો નિર્ણય નામંજુર પણ થતો હોય છે. જેના લીધે પક્ષકારોને તકલીફ પડતી હોય છે. આ તકલીફ નિવારવા માટે આણંદ તાલુકામાં ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણીની સાથે જ તે જ દિવસે નોટીસ બજાવવામાં આવશે, જેના લીધે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખુબ જ ઝડપી થશે.

આણંદ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા આવેલા નાવલી ગામના રહેવાસી ચંદ્રકાન્તભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમને દસ્તાવેજોની નોંધણીની સાથે આજે જ ૧૩૫-ડી નોટીસ મળી જતા મારો ઘણો સમય બચી ગયો છે. તેમણે લોકોને આ નવતર પહેલ ખુબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, રાજ્ય સરકારશ્રીની સુશાસનની વિભાવનાને સાચા અર્થમાં ચરીતાર્થ કરતી આ નવતર પહેલ થકી ખેતીની જમીનના દસ્તાવેજ અર્થે લોકોને કચેરીના બીનજરૂરી ધક્કામાંથી મુક્તિ મળશે, તથા તેઓ સરળતાથી પોતાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી શકશે. 
*****